સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ : ભારે વરસાદથી અનેક ગામડા સંપર્ક વિહોણા
માળીયા હાટીનામાં ૮ ઈંચ અને ઉના ગ્રામ્યમાં ૭ ઈંચ : ગીરગઢડા, રાજુલા, ખાંભા, જેતલસર, સત્રાપાડા, જૂનાગઢ, મેંદરડા, સુલતાનપુર પંથકમાં ૫-૬ ઈંચ વરસાદથી જળબંબાકાર
સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ આજે પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં કોડીનાર અને માણાવદર પંથકમાં અનરાધાર ૧૨ ઈંચ, બગસરામાં નવ અને માળીયા હાટીનામાં આઠ તથા ઉના પંથકમાં સાત ઈંચ જેવા મુશળધાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. અનેક ગામડા બેટમાં ફેરવાઈને સંપર્ક વિહોણા બન્યા હતાં. નદી, નાળામાં ઘોડાપુર આવવા સાથે જળાશયોમાં નવા નીરની ધીંગી આવક ચાલુ રહી હતી. કેટલાક ડેમ, તળાવો ઓવરફલો પણ થઈ ગયા હતાં. સોરઠમાં અનેક ગામોમાં ખેતરો ધોવાઈ જતાં ખેડુતોને ફટકો લાગ્યો હતો. રાજકોટ શહેરમાં ઘણી રાહ જોવડાવ્યા બાદ આજે મેઘરાજા વરસી પડયા હતાં. સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં અઢી ઈંચ વરસાદ વરસી જતાં માર્ગો જળબંબોળ બન્યા હતાં. એ જ રીતે જામકંડોરણામાં મુશળધાર ચાર ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. ઉપલેટામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો, પણ ગ્રામ્ય વિસ્તારનાં નાગવદરમાં ૪ ઈંચ ભાયાવદરમાં અઢી ઈંચ, ગઢાળામાં બે ઈંચ અને મોટીપાનેલીમાં દોઢ ઈંચ મેઘકૃપા થઈ હતી. જેતપુરમાં અઢી ઈંચ વરસાદ પડતા અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા હતાં. જેતલસરમાં ગઈકાલે સાંજથી આજે સાંજ સુધીમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ વિરપુરમાં પણ ધોધમાર ત્રણ ઈંચ વરસાદથી લોકો ખુશ થઈ ગયા હતાં. ધોરાજી, પડધરી, કોટડા સાંગાણીમાં વધુ અડધો ઈંચ તો જસદણ વિંછીયામાં ફકત ઝરમર ઝાપટા વરસ્યા હતાં. ગોંડલમાં આજે અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. પણ તાલુકાનાં રીબડા અને સુલતાનપુર પંથકમાં પાંચ ઈંચ તથા દેરડીમાં ચાર ઈંચ મેઘમહેર વરસી હતી. જેથી વેરી તળાવમાં બે ફૂટ નવું પાણી આવ્યું હતું. રીબ ગામે ગત સાંજે એક કાચુ મકાન અને સ્મશાનની દિવાલ ધરાશાયી થઈ ગયા હતાં. દાળીયાની નદીમાં પુર આવતા ૫૦ લોકોનું સ્થળાંતર કરાવીને પ્રાથમિક શાળામાં ખસેડાયા હતાં. ગોમટામાં પણ બે દિવસમાં ચાર ઈંચ વરસાદ પડી જતાં ખેડૂતોમાં હરખ છવાયો છે . ગીર સોમનાથ જિલ્લાને આજે પણ મેઘરાજાએ ધમરોળવાનું ચાલુ રાખ્યું હતું. સૌથી વધુ કોડીનારમાં ગઈકાલે સાંજથી આજે સાંજ સુધીમાં અનરાધાર ૧૨ ઈંચ વરસાદ ખાબકી પડતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતાં. આ સાથે સીંગવડા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આજે વેરાવળમાં ચાર અને સુત્રાપાડામાં છ ઈંચ વરસાદથી જનજીવન પણ જાણે થંભી ગયું હતું. શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગની શાળાઓ બંધ રહી હતી. અનેક સ્થળોએ માર્ગો પણ ધોવાઈ ગયા હતાં. ઉના અને ગીરગઢડા તાલુકામાં આજે વધુ ૬ થી ૭ ઈંચ વરસાદ પડતા ખેતીપાકને નુકસાન થવા સાથે થોડી ખાના – ખરાબી પણ સર્જાઈ હતી. આમોદ્રા, ખત્રીવાડા, માણેકપુર, નગડીયા સહિતનાં અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા હતા. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર ચાલુ રહ્યા હતાં. અને જળાશયોમાં પણ નવા નીરની ધીંગી આવક થઈ હતી. તાલાલા તાલુકામાં પણ આજે સતત પાંચમાં દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો અને વધુ સાડા ત્રણ ઈંચ વરસ્યો હતો. જેથી હિરણ અને સરસ્વતી નદીમાં બે કાંઠે ધસમસતા પાણી યથાવત રહ્યા હતાં. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે સવારથી આજે બપોર સુધી અવિરત વરસાદ પડયો હતો. જેમાં માળીયા હાટીના તાલુકામાં ગતરાત્રે ધીમીધારે એક ઈંચ વરસાદ થયો હતો. પરંતુ આજે સવારથી ધોધમાર વરસાદ શરૃ થયો હતો. અને બ પોરે બે વાગ્યા સુધીમાં સાત ઈંચ પાણી વરસી જતાં ચો તરફ પાણી પાણી થઈ ગયું હતું. ખેતરોમાંથી પણ પાણી વહી ગયા હતાં. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જયારે માણાવદરમાં ત્રણ ઈંચ વરસાદ પડયો હતો, પણ ગ્રામ્ય વિસ્તારનાં થાનિયાણા અને જીંજરી ગામે ૧૨ ઈંચ તો સરદારગઢમાં આઠ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. માળીયાનાં આંબેચા ગીરમાં આજે મુશળધાર આઠ ઈંચ તો ચોરવાડ, ગડુ પંથકમાં પાંચથી છ ઈંચ વરસાદ થયો હતો. જેના પગલે મેઘલ ડેમ ઓવરફલો થઈ ગયો હતો. જયારે જૂનાગઢમાં ગત રાત્રીથી આજે સવાર દરમ્યાન અઢી ઈંચ તેમજ સવારથી બપોર સુધીમાં વધુ અઢી મળી કુલ પાંચ ઈંચ વરસાદ થયો હતો. અને વૈભવચોક, જયશ્રી રોડ, નજીક તળાવ દરવાજાસામે, જોષીપરા અન્ડરબ્રીજ તેમજ ઝાંઝરડા રોડ અન્ડર બ ્રીજ ખાતે પાણી ભરાયા હતાં. મેંદરડામાં ગત રાત્રીનાં એક ઈંચ તથા આજે દિવસ દરમ્યાન ચાર ઈંચ વરસાદ થયો હતો અને મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું. તેમજ નદી નાળા, વોંકળા છલકાઈ ગયા હતાં. સાર્વત્રિક મેઘમહેરથી ખુશી વ્યાપી ગઈ હતી. ભેંસાણમાં ગત રાત્રીનાં એક ઈંચ વરસાદ બાદ આજે સવારથી બપોર સુધીમાં વધુ સાડા ત્રણ મળી કુલ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે વિસાવદરમાં ચાર ઈંચ વરસાદથી ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. ગ્રામ્ય પંથકમાં પણ ત્રણથી ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત માંગરોળ અને કેશોદમાં ત્રણ ત્રણ ઈંચ જયારે વંથલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. જયારે વડાલમાં સવાપાંચ ઈંચ તેમજ બગડુ પંથકમાં ચારથી પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. કાચા સોના સમાન વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાયો હતો. અમરેલી જિલ્લામાં આજે મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો. વડીયા અને બાબરામાં બે ઈંચ તો ધારી અને જાફરાબાદમાં દોઢ ઈંચ જયારે લાઠી અને લીલીયામાં એક ઈંચ તેમજ અમરેલી અને સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. બગસરામાં આજે બે ઈંચ વરસાદ વરસ્યો હતો પણ ગત રાત્રે અનરાધાર સાત ઈંચ જેવો વરસાદ તૂટી પડતા શહેરનાં માર્ગો ઉપર નદીની જેમ ધસમસતા પાણી વહેતા થઈ ગયા હતાં. અનેક મકાનોમાં પણપ ાણી ઘુસ્યા હતાં. ઉપરવાસનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે સાતલડી નદી અને વોંકળા ગાંડાતૂર બનતા મુંજીયાસર ડેમમાં એક રાતમાં જ ૧૭ ફૂટ નવાનીરની આવક થઈ ગઈ હતી. જેથી સાપર સુડાવડ અને લુંધીયા ગામ સંપર્ક વિહોણા બન્યા હતાં. તોમાવજીંજવા અને ડેરી પીપરીયા વચ્ચે ભારે વરસાદનાં કારણે બસ ફસાઈ જતાં વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. ભારે વરસાદનાં લીધે આજે શાળા કોલેજો પણ બંધ રહી હતી. ગઈકાલે સાંજથી આજે બપોર સુધીમાં ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૪થી ૬ ઈંચ વરસાદ વરસી જતાં રાયડી અને કંટાળા ડેમ ઓવરફલો થવાથી હેઠવાસનાં ગામોને એલર્ટ કરાયા હતાં. રાજુલામાં પણ વધુ છ ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બન્યા હતાં. જામનગર જિલ્લામાં આજે પણ હળવાભારે ઝાપટા જ વરસ્યા હતાં. જો કે, કાલાવડ અને જામંજોધપુરમાં એક – એક ઈંચ વરસાદથી લોકોનાં ચહેરા પર રોનક આવી હતી. એ જ રીતે દ્વારકા જિલ્લામાં પણ આજે ફકત ઝરમર ઝાપટા વરસતા લોકો નિરાશ થયા હતાં. મોરબી જિલ્લો પણ આજે કોરો ધાકોડ જ રહ્યો હતો. પોરબંદર જિલ્લામાં આજે છૂટા છવાયા ઝાપટા વચ્ચે કુતિયાણામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. ભાટીયામાં સવારે જોરદાર ઝાપટાથી ઠંડક પ્રસરી હતી. ક્યાં કેટલો વરસાદ ગીરનાર ૧૭ કોડીનાર ૧૨ માણાવદર ગ્રામ્ય ૧૨ મા.હાટીના ૮ બગસરા ૯ મેંદરડા ૫ આંબેચાગીર ૮ જૂનાગઢ ૫ ભેસાણ ૪ાા વિસાવદર ૪ વંથલી ૩ાા માણાવદર ૩ માંગરોળ ૩ કેશોદ ૩ ચોરવાડ ૪ વડાલ ૫ બગડુ ૪ વેરાવળ ૪ સુત્રાપાડા ૬ ઉના ગ્રામ્ય ૭ ગીરગઢડા ૬ તાલાલા ૩ાા કાલાવડ ૧ જામજોધપુર ૧ કુતિયાણા ૦ાા રાજકોટ ૨ાા જામકંડોરણા ૪ ઉપલેટાગ્રામ્ય ૪ ભાયાવદર ૨ાા મોટીપાનેલી ૧ાા જેતપુર ૨ાા જેતલસર ૬ વિરપુર ૩ ધોરાજી ૦ાા પડધરી ૦ાા કોટડાસાંગાણી ૦ાા ગોંડલ ૨ાા સુલતાનપુર ૫ ગોમટા ૪ ખાંભા ગ્રામ્ય ૬ રાજુલા ૬ વડીયા ૨ બાબરા ૨ ધારી ૧ાા જાફરાબાદ ૧ાા લાઠી ૧ લીલીયા ૧ અમરેલી ૦ાા સાવરકુંડલા ૦ાા




જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



