ક્રિપ્ટો કરન્સી દેરોડામાં વાપીના રોકાણકારોના રૂ.૧૦ કરોડ સલવાયા

0
117

ક્રીપ્ટો કરન્સીની માયાજાળના તાર વાપી સુધી ફેલાયેલા છે. વાપીમાં દેકાડો નામની ક્રીપ્ટો કરન્સીમાં સામાન્ય લોકોના અંદાજિત રૂ.૧૦ કરોડથી વધુના નાણાં ફસાયા છે. બિટકોઇનના ભાવ ગગડી ગયા બાદ વાપીના ભેજાબાજોએ દુબઈથી દેકાડો નામની કરન્સી શરૂ કરી બીટકોઈનમાં થયેલી નુકસાની ભરપાઈ કરવા રોકાણ કરાવી શરૃઆતમાં માસિક ૩.૫ થી ૮ ટકા વળતર આપી હાથ ખંખેરી લેતાં રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બીટકોઈન જેવી ક્રીપ્ટો કરન્સીમાં ઊંચુ વળતર મળતું હોવાથી મેગા સીટીના રોકાણકારોની સાથે વાપી જેવા કોસ્મોપોલિટન શહેરના લોકોએ પણ બીટકનેક્ટ જેવી ક્રીપ્ટો કરન્સીમાં મોટું રોકાણ કર્યું હતું. ક્રીપ્ટો કરન્સીમાં દિવ્યેશ દરજી અને ચિરાગ ટેલરનું નામ ખુલ્યા બાદ તેમના તાર વાપી સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ચિરાગ ટેલર તો વાપીનો જ રહેવાસી હોવાથી તેની સાથે વીકી ટેલર, અમિત ટેલર તેમજ વિમલ ભાનુશાળી નામની વ્યક્તિઓ જોડાયા હતા. તેઓ વાપીના લોકો પાસે બીસીસી, હેક્સાકોઈન, વન કોઈન જેવી ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી ૩ ટકાથી ૭.૫ ટકા સુધીનું માસિક વળતર આપતાં હતા. રોકાણ પેટે મળનારા રોકાણને પુન: રોકાણ કરવાની લાલચ આપી વાપીના ઘણા લોકો પાસે કરોડોનું રોકાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. જોકે બીસીસીનો ભાવ ૨૯૦ ડોલરથી ઉતરી ૧૦ ડોલર પર આવી જતાં તેમાં ભારે નુકસાનીના કારણે દિવ્યેશ દરજી અને ચિરાગ ટેલરે દુબઈથી દેકાડો નામની ક્રીપ્ટો કરન્સી શરૂ કરી હતી. જેને દુબઈમાં માન્યતા પ્રાપ્ત થઈ હોવાનું જણાવી રોકાણકારોને તેમનું નુકસાન આ કરન્સીમાંથી ભરપાઈ થશે તેવી ખાતરી આપી હતી. બાદમાં ૨૧૦ દિવસના લોકિંગ પીરિયડમાં ત્રણ સ્લેબ પાડી માસિક ૩.૫ ટકાથી લઈ ૮ ટકા સુધીનો નફો આપવામાં આવતો હતો. જોકે દેકાડો કરન્સીના ભાવો પણ તળિયે બેસી જતાં ૧૦ ટકાના વ્યાજે પૈસા લાવી ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા વાપીના રોકાણકારોના અંદાજિત રૂ.૧૦ કરોડથી વધુની રકમ ફસાઈ ગઈ છે. રોકાણકારોને ચૂકવણાંમાંથી હાથ ખંખેરી લેવાયા દિવ્યેશ દરજી અને ચિરાગ ટેલર સાથે જોડાયેલા અને વાપીમાં બીસીસી અને દેકાડો કરન્સીનું કામકાજ કરતાં વીકી, અમિત અને વિમલ નામની વ્યક્તિઓએ રોકાણકારોને પરત પૈસા આપવામાંથી હાથ ખંખેરી લીધા છે. જેના કારણે સામાન્ય લોકોની આર્થિક હાલત કફોડી થવા પામી છે. વાપીમાં ચાલતા ક્રીપ્ટો કરન્સીના ધુમ કામકાજની ઈન્કમટેક્સ તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિભાગને ગંધ નહીં આવતાં તેઓ બિન્દાસ્ત બની ગયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY