અમદાવાદ, તા.૫
દિવાળીના પર્વમાં અનેરું મહાત્મ્ય ધરાવતાં ધનતેરસના પર્વ નિમિતે આજે શહેર સહિત રાજયભરમાં પ્રજાજનોએ ખાસ કરીને મહિલાઓ, ગૃહિણીઓ દ્વારા ભારે ભકિતભાવ અને ધાર્મિક આસ્થા વચ્ચે મહાલક્ષ્મી માતાજી, કુબેર ભગવાન અને ધન-સંપત્તિ, રોકડ અને સોના-ચાંદીના દાગીનાનું પૂજન કરવામાં આવ્યું હતું. તો, ધંધા-રોજગાર અને ઓફિસ-કચેરીના સ્થળોએ પણ લક્ષ્મીપૂજન અને કુબેરનપૂજનના દ્રશ્યો જાવા મળ્યા હતા. ધનતેરસને લઇ આજે શહેરીજનો સહિત રાજયભરના પ્રજાજજનોમાં ભારે ઉત્સાહિત અને ખુશીની લાગણી છવાઇ હતી. તો, ધનતેરસને લઇ મંદિરોમાં પણ શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. ધનતેરસ એટલે ભગવાન ધન્વન્તરિની આરાધના અને મહાલક્ષ્મી માતાના પૂજનનું પવિત્ર પર્વ. આજે શહેરની સિવિલ હોસ્પિટલ, સિવિલની જ મણિબહેન આયુર્વેદિક હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફ દ્વારા ભગવાન ધન્તન્તરિની વિધિવત્ પૂજા કરવામાં આવી હતી અને તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, ભગવાન ધન્વંતરિને હિન્દુ ધર્મમાં આરોગ્યના દેવતા મનાયા છે. તેઓ એક મહાન ચિકિત્સક હતા, જેમને દેવનું પદ પ્રાપ્ત થયું. માન્યતા અનુસાર તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમનું પૃથ્વી પર અવતરણ સમુદ્ર મંથન સમયે થયું હતું. શરદ પૂનમના દિવસે ચંદ્રમા, બારસે કામધેનુ ગાય, તેરસે ધન્વંતરિ, ચૌદસે કાળકા માતા, અને અમાસના દિવસે ભગવતી લક્ષ્મીજી સાગરમાંથી પ્રગટ થયા હતા. એટલે જ દિવાળીના બે દિવસ પૂર્વે તેરસે ભગવાન ધન્વંતરિનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આપણે તેને ધનતેરસ પણ કહીએ છીએ. આ જ દિવસે આયુર્વેદનો પણ ઉદભવ થયો હતો. તેથી તેનું અનોખુ અને આરોગ્યની દ્રષ્ટિએ અનેરૂ મહત્વ અને મહાત્મ્ય છે. સિવિલ હોસ્પિટલ પ્રાંગણમાં સ્થાપિત ભગવાન ધન્વન્તરિની મૂર્તિનું આજે ધનતેરસના પવિત્ર દિને ડોકટરો, સ્ટાફની હાજરીમાં વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું અને સૌનું આરોગ્ય સારૂ રહે અને ડોકટરો, નર્સ સહિતના સ્ટાફ દર્દીઓની સેવામાં નિષ્ઠાથી ફરજ બજાવે તેવા આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. ધન્વન્તરિ ભગવાન આરોગ્ય સુખાકારી આપતાં દેવતાં છે, તેમનું પૂજન સારા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે અનિવાર્ય છે. બીજીબાજુ, આજે શહેર સહિત રાજયભરમાં ધનતેરસને લઇ ધનનાં દેવતા ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પણ ભારે ભકિતભાવ સાથે પૂજા કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન જયોતિષીઓ દ્વારા નિર્દિષ્ટ શુભમૂર્હુતમાં પ્રજાજનોએ મહાલક્ષ્મી માતાજી અને કુબેર ભગવાનનું પૂજન કર્યું હતું. ખાસ કરીને સોના-ચાંદીના દાગીના, ધન-સંપત્તિ, શુકનવંતી ચીજવસ્તુઓ અને રોકડરકમ સહિતનું પૂજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધીના શુભમૂર્હુત સુધી પૂજા-વિધિ ચાલ્યા હતા. તો, ધનતેરસરને લઇ આજે શહેરના મહાલક્ષ્મી મંદિરો સહિતના મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જામી હતી. ધનેતરસના પવિત્ર દિને લોકોએ મંદિરમાં જઇ માતાજી અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને એકબીજાને ધનતેરસની શુભેચ્છા પણ પાઠવી હતી. તો, ધનતેરસનાં દિવસે સોના-ચાંદી અને વર્તન ખરીદવાનું શુભ મનાતું હોઇ આજે સોના-ચાંદી બજારમાં પણ તેજી જાવા મળી હતી. ધનતેરસને લઇ લોકોએ સોના-ચાંદીની શુકનવંતી ખરીદી કરી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં લક્ષ્મીપૂજનના પૂજાપા સામાનની લારીઓ અને ફેરિયાઓ ફુલહાર, ફુલ સહિતની પૂજા સામગ્રી લઇને ઉભા રહેલાઓને આજે તડાકો પડી ગયો હતો. ધનતેરસને લઇ શ્રધ્ધાળુ ભકતોએ મહાલક્ષ્મી માતાજીને પ્રસન્ન કરવા ઓમ્ મહાલક્ષ્મ્યૈ નમ : ના જાપ ઉપરાંત કનકધારા સ્તોત્ર સહિતના પૂજા પાઠ કર્યા હતા .
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



