ન્યુ દિલ્હી,તા.૨૯
નરેન્દ્ર મોદી મંગળવારે નમો એપ દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. મોદીએ કહ્યુ- ‘અમે આઝાદી પછીથી જ લાયસન્સ રાજ જાયું. લોન તેને જ મળતી હતી જેમનું મોટું નામ હોય, જેની ભલામણ થયેલી હોય. ગરીબોને સિસ્ટમની બહાર રાખી દીધા હતા. તેઓ પોતાના કામનો વિસ્તાર જ નહોતા કરી શકતા. મુદ્રા યોજનાએ વ્યાજખોર લોકોની ચુંગાલમાંથી દેશના યુવાધનને બચાવ્યું છે. મુદ્રા યોજનાથી સામાન્ય માણસની પ્રતિભાને ઓળખ મળી છે.’ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને ગઇકાલે જ ઉજ્જલવા યોજનાનો લાભ મેળવનારી દેશભરની મહિલાઓ સાથે વાત કરી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યુ, “મુદ્રા એક એવી યોજના છે જેમાં લક્ષ્યથી વધુ લોન આપવામાં આવી છે. સૌથી ખુશીની વાત એ છે કે જે ૧૨ કરોડ લોકોને લોન આપી છે તેમાં ૭૪ ટકા એટલે કે ૭૫ ટકા આસપાસ આપણી માતાઓ એટલે કે મહિલાઓ છે. ૫૫ ટકા પછાત વર્ગ એટલે કે એસસી-એશટી અને ઓબીસી સમાજની મહિલાઓને મળી છે. મોદીએ કહ્યુ, “ઉદ્યમશીલ યુવાઓ અને બહેનો સાથે વાતચીત કરવાનો મને આ અવસર મળ્યો છે. હવે એ લોકો છે જે બાંધેલા રસ્તે ચાલવાને બદલે પોતાના રસ્તા પોતે નક્કી કરે છે. દેશની સમૃદ્ધિ અને સાહસમાં તમારી આ પહેલનું મહત્વનું સ્થાન છે. આજે મારી સાથે આખો દેશ તમારી આ યાત્રાના સંસ્મરણોને સાંભળવા માટે આ વીડિયો કોન્ફરન્સિગ દ્વારા જાડાયો છે. ગત દિવસોમાં મને મુદ્રા યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. તેમની કહાનીઓ સંતોષ આપે છે અને ગૌરવાન્વિત કરે છે. ત્યારે જ મેં નક્કી કર્યું કે દેશભરના મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરીશ.”
નરેન્દ્ર મોદીએ કહ્યુ, “દેશના ભવિષ્યમાં તમારા જેવા ઉદ્યમીઓનું મોટું યોગદાન છે. આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા લોન મળતી હતી પરંતુ રાજકીય સિદ્ધાંતો રાખતા ચેલાઓ બેંકોમાંથી રૂપિયા મારી લેતા હતા. ૨૫-૩૦ વર્ષ પહેલા રાજકીય ફાયદાઓ માટે લોનમેળા થતા હતા. અમે મુદ્રા યોજનાની એવી પ્રોડક્ટ તૈયાર કરી જે દેશવાસીઓ માટે મોટો અવસર બની ગઇ. અમે અમારા નવયુવાનો પર ભરોસો કર્યો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




