મુંબઈ,તા.૧૫
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુંબઈમાં થનારા મેટ્રો કોરિડોરના ભૂમિપૂજનના કાર્યક્રમ માટે શિવસેનાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આગામી ૧૮ ડિસેમ્બરના મંગળવારના રોજ કલ્યાણમાં મેટ્રો કોરિડોરના ભૂમિપૂજનનો કાર્યક્રમ પાર પડવાનો છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરમાં મહારાષ્ટ્રના ડેવલપમૅન્ટ પ્રોજેક્ટસ અંગે ચર્ચા થઇ હતી. આગામી સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહારાષ્ટ્રના વિકાસ કામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરાશે. મુંબઈ -નાગપુર સમૃદ્ધિ ઍકસ્પ્રેસવે અને મેટ્રોના કામનું ભૂમિપૂજન કાર્યક્રમ મોદીની ઉપસ્થિતિમાં થવાનો છે.
નાગપુરમાં સમૃદ્ધિ ઍકસપ્રેસવેના પહેલા તબક્કાનું ભૂમિપૂજન કાર્યક્રમ પાર પડવાનો છે. આ કાર્યક્રમ માટે અંદાજે એક લાખ લોકોની ઉપસ્થિત રહે એવી શકયતા છે. તે માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.
કલ્યાણમાં બે મેટ્રો યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવશે, તેમાં રૂ. ૮,૫૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર ૨૪.૦૯ કિ.મી. લાંબા થાણે-ભિવંડી-કલ્યાણ અને રૂ. ૬,૬૦૦ કરોડના ખર્ચે બાંધવામાં આવનાર ૧૨ કિ.મી. લાંબા દહિસર-મીરા ભાયંદર મેટ્રો કોરિડોરનો સમાવેશ થાય છે.
આ બંને મેટ્રો યોજનાનું ભૂમિપૂજન ૧૮ ડિસેમ્બરે થવાનું છે, પરંતુ ત્યાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સહભાગી કરવામાં આવશે કે? એવી ચર્ચા હાલમાં શરૂ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





