સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટરઃ ૧૩ વર્ષ બાદ તમામ આરોપીઓ દોષમુક્ત

0
3

સીબીઆઈની ખાસ કોર્ટે આપ્યો ચુકાદો,૨૧૦ સાક્ષીઓને હાજર કર્યા છતાં સંતોષકારક પુરાવા મળ્યા નથી
કાવતરું ઘડ્યું હોવાનો કોઈ પુરાવો નથી- કોર્ટ,ગોળી ૨૨ આરોપી પોલીસ અધિકારીઓમાંથી કોણે ચલાવી હતી તેને સાબિત કરી શકાયું નથી,કેસમાં ૩૮ લોકો ઉપર આરોપ હતા જેમાંથી ૧૬ પહેલા જ છુટી ગયા છે
મુંબઈ,તા.૨૧
સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં ૧૩ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે પોતાના ચુકાદામાં તમામ ૨૨ આરોપીને બરી કરવાનો હુકમ ફરમાવ્યો છે. નિર્દોષ મુક્ત થયેલા આરોપીઓ પૈકી મોટાભાગના પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
સીબીઆઈ વિશેષ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે સરકારી મશિનરી અને ફરિયાદી પક્ષ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, ૨૧૦ સાક્ષીઓને હાજર કરાયા હતા પરંતુ તેમ છતા સંતોષકારક પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત પ્રત્યક્ષદર્શી પણ હોસ્ટાઈલ પુરવાર થયા છે. સાક્ષી ફરી જાય તેમાં ફરિયાદીનો કોઈ વાંક નથી રહેતો તેમ કોર્ટે જણાવ્યું હતું.
વિશેષ કોર્ટે વધુ જણાવ્યું કે તુલસીરામ પ્રજાપિતનું મર્ડર કાવતરાના ભાગરૂપે થયું હતું તે બાબત સત્ય નથી. સોહરાબુદ્દીન કેસમાં પુરતા પુરાવા નથી મળ્યા તેમજ સાંયોગિક પુરાવા પણ પુરતા નથી જેને પગલે પુરાવાના અભાવે ૨૨ ગુનેગારોને દોષમુક્ત કરવાનો ચુકાદો સ્પેશિયલ સીબીઆઈ જજે આપ્યો હતો.
કોર્ટે દોષમુક્ત જાહેર કરેલા તમામ ૨૨ આરોપીઓ પૈકી ૨૧ આરોપી પોલીસકર્મી છે. આરોપમુક્ત થયેલા લોકોમાં ગુજરાત અને રાજસ્થાનના જૂનિયર કક્ષાના પોલીસકર્મીઓ છે. સ્પેશ્યલ સીબીઆઈ જજ એસ જે શર્માએ જણાવ્યું હતું કે પ્રોશિક્યુશન દ્વારા નક્કર પુરાવા રજૂ નહીં કરી શકાતા આ ઘટનાને કાવતરું ગણી શકાય નહીં. રજૂ કરાયેલા તમામ પુરાવા પુરતા નથી અને તેને પગલે તમામ આરોપીઓને દોષમાંથી મુક્ત કરવાનો કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો.
સીબીઆઇએ આ કેસમાં ૩૮ લોકો સામે ચાર્જશીટ કરી હતી. જેમાં પૂરાવાના અભાવે કોર્ટે ૧૬ આરોપીઓને છોડી મુક્્યા હતા જેમાં અમિત શાહ,રાજસ્થાનના તત્કાલિન ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયા, ગુજરાત પોલીસના પૂર્વ વડા પી સી પાંડેય અને ગુજરાત પોલીસના પૂર્વ સીનિયર અધિકારી ડી જી વણઝારાનો પણ સમાવેશ થતો હતો.
સીબીઆઈ તપાસમાં સામે આવ્યું હતું કે, ૨૨ નવેમ્બર ૨૦૦૫ના રોજ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર બી અને તેના સહયોગી તુલસી પ્રજાપતીને ગુજરાત પોલીસે એક બસમાંથી કિડનેપ કર્યા હતા. તે દરમિયાન સોહરાબુદ્દીન બાકી લોકો સાથે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યો હતો. સીબીઆઈએ જણાવ્યું કે, તેના ચાર દિવસ પછી સોહરાબુદ્દીનની અમદાવાદ પાસે હત્યા કરી દેવામાં આવી હતી. સોહરાબુદ્દીનની પત્ની કૌસર બીને ૨૯નવેમ્બરે બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેનો રેપ કરવામાં આવ્યો અને પછી તેની પણ હત્યા કરી દેવામાં આવી. ત્યારપછી ૨૭ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ ગુજરાત અને રાજસ્થાન પોલીસે ગુજરાત- રાજસ્થાન સીમા પાસે તુલસીરામની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
આ મામલે ખાસ નજર ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર હતી. કેમ કે, તેઓ પણ આરોપીઓના લિસ્ટમાં સામેલ હતા. જાકે, ૨૦૧૪માં તેમને આરોપમુક્ત કરાયા હતા. અમિત શાહ તે સમયે ગુજરાતના ગૃહમંત્રી હતા. કેસ દરિયાન અભિયોજન પક્ષના અંદાજે ૯૨ સાક્ષીઓ ફરી ગયા હતા. આ કેસમાં મોટાભાગના આરોપી ગુજરાત અને રાજસ્થાનના પોલીસ ઓફિસર હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY