મુંબઇની આરોહી એટલાંટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાયલટ બની

0
4

મુંબઇ,તા.૧૫
આજના જમાનામા કદાચ એવું એક પણ ક્ષેત્ર નહીં હોય કે જેમા મહિલાઓએ ડંકો ન વગાડ્યો હોય. મુંબઈની ૨૩ વર્ષીય આરોહી પંડિત દુનિયાની એવી પ્રથમ મહિલા પાયલટ બની છે જેણે સ્પોર્ટ એરક્રાફ્ટ દ્વારા એટલાંટિક મહાસાગર પર ઉડ્ડયન કર્યું હોય. તેણે આ માટે સાત મહિનાની આકરી તાલીમ લીધી હતી અને અત્યંત ખરાબ હવામાનમાં મહાસાગર પરથી ઉડ્ડયન કરીને પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી.
મુંબઈની પાયલટે પોતાની આ ઐતિહાસિક સિદ્ધિ દ્વારા મહિલાઓના ખાતામાં વધુ એક સફળતા ઉમેરી છે. એટલાંટિક મહાસાગર ઉપર સિંગલ પાયલટ તરીકે ઉડ્ડયન કરીને આરોહી પંડિતે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. કેનેડાના નુનાવુટમાં ઈકાલિટ એરપોર્ટ પર તેમણે સફળતાપૂર્વક ફ્લાઈટ લેન્ડ કરી હતી.
લેન્ડિંગ બાદ વિમાનમાંથી નીચે ઉતરીને આરોહીએ સૌપ્રથમ ભારતના રાષ્ટ્રધ્વજને હાથમાં લઈ સફળતાની ઉજવણી કરી હતી. તેમણે બોમ્બે ફ્લાઈંગ ક્લબમાંથી ટ્રેનિંગ લીધી હતી. ટ્રેનિંગ બાદ આરોહીએ સ્કાટલેન્ડથી કેનેડાના ઈકાલુઈટ સુધીનું ઉડ્ડયન કર્યું હતું. જે દરમિયાન તેઓ આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડ પરથી પણ પસાર થયા હતા.
ગર્વની વાત તો એ છે કે આ પ્રવાસ દરમિયાન તેમની સાથે અન્ય કોઈ સાથી પાયલટ ન હતો અને સમગ્ર પ્રવાસ દરમિયાન તેમણે એકલાએ જ વિમાન ઉડાવ્યું હતું. જે એરક્રાફ્ટની મદદથી તેમણે આ સફળતા પ્રાપ્ત કરી છે તેનું નામ ‘માહી’ છે. જેનું વજન એક બુલેટ બાઈક કરતા પણ ઓછું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY