મિલિંદને મુંબઇ પ્રદેશ કોંગ્રેસ સાથે તીવ્ર મતભેદો છે
મુંબઇ,તા.૬
લોકસભાની ચૂંટણી આડે હવે આંગળીનાં વેઢે ગણાય એટલા જ મહિના બાકી રહી ગયા છે ત્યારે મુંબઈ કોંગ્રેસમાં ઉચ્ચ સ્તરે ઝઘડા બહાર આવ્યાં છે. મુંબઈ પ્રદેશ પ્રમુખ સંજય નિરુપમ સાથે તીવ્ર મતભેદો ઊભા થતાં દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાએ આ વખતે મુંબઈમાં લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.
એક મુલાકાતમાં દેવરાએ કહ્યું છે કે પક્ષની અંદર ઝઘડા ચાલી રહ્યા હોવાથી પોતે નારાજ છે અને આ વખતની લોકસભા ચૂંટણી કદાચ નહીં લડે. દેવરા ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા. દક્ષિણ મુંબઈ એ લોકસભાનો હાઈપ્રોફાઈલ સંસદીય મતવિસ્તાર ગણાય છે. મિલિંદ દેવરા કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય સ્વ. મુરલી દેવરાના પુત્ર છે. મુરલી દેવરા ૨૦ વર્ષ સુધી મુંબઈ કોંગ્રેસના પ્રમુખપદે રહ્યા હતા. પક્ષ માટે ભંડોળ લાવી આપવામાં મુરલી નિષ્ણાત હતા. એ ગાંધી પરિવારની નિકટના હોવાનું મનાતું હતું.
મુંબઈ કોંગ્રેસના નેતાઓ તાજેતરમાં જ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા અને સંજય નિરુપમને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી હટાવવાની માગણી કરી હતી. એમની ફરિયાદ હતી કે નિરુપમ મુંબઈમાં કોઈ પણ નિર્ણય લેતી વખતે બધા સમુદાયોનો ખ્યાલ કરતાં નથી. જોકે રાહુલે આ માગણીનો સ્વીકાર કર્યો નથી સૌને લોકસભાની ચૂંટણી ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





