મુંબઈ,તા.૨
મહારાષ્ટ હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના પરવડે એવા ૭,૫૦૦ ઘર ગોરેગામમાં બનશે. ગોરેગામના પહાડી વિસ્તારમાં ૭,૫૦૦ એફોર્ડેબલ ઘર બનાવવાનો કોન્ટ્રાક્ટ બી. જી. શિર્કે કન્સ્ટ્રક્શન કંપનીને અપાયો છે. આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂરો કરાશે. આ પ્રોજેક્ટથી મુંબઈમાં એફોર્ડેબલ ઘર ખરીદવાનું અનેક લોકોનું સ્વપ્ન પૂરું થશે.
જરૂરિયાતમંદોને ઘર આપવા મ્હાડાએ ગોરેગામમાં ૭,૫૦૦ ઘર બનાવવાનો નિર્ણય નવેમ્બર-૨૦૧૭માં લીધો હતો. આ પ્રોજેક્ટમાં ૭૦ ટકા ઘર ગરીબો માટે અનામત રખાશે, એવી માહિતી મ્હાડાએ આપી હતી. વર્ષ ૨૦૧૭ની મુંબઈ બોડની લોટરીમાં ગરીબો માટે ઘરની સંખ્યા ઘણી ઓછી હતી. તેથી મ્હાડાની ટીકા થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખી મ્હાડાએ ગોરેગામના પહાડી વિસ્તારમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ૭,૫૦૦ ઘર તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો.
મ્હાડાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) મિલિંદ મ્હૈસ્કરે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ મેળવવા મોટી કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા, પરંતુ શિર્કે કન્સ્ટ્રક્શન કંપનીએ સૌથી ઓછી રકમ રૂ. ૧,૦૦૦ કરોડ ભરી હતી. તેથી બી. જી. શિર્કેને આ કોન્ટ્રાક્ટ અપાયો છે. શિર્કેને પ્રતિ ચોરસ મીટર બાંધકામ માટે ૨૬,૦૦૦ના દરે આ કોન્ટ્રાકટ અપાયો છે.
મ્હાડાએ બીડીડીની વરલી સ્થિત ચાલીઓના પુર્નિવકાસનો કોન્ટ્રાક્ટ તાતા કન્સોર્ટિયમ અને ચીનની કેપેસિટી કંપનીના જાઇન્ટ વેન્ચર આપ્યો છે. બીડીડી ચાલીઓમાં આ સૌથી મોટો વિસ્તાર છે. અહીં ૧૨૧ ચાલ છે. આ એરિયાના ડેવલપમેન્ટ માટે રૂ. ૧૦,૭૦૦ કરોડ ખર્ચ થવાની ધારણા છે. અહીં સૌથી મોટી ૬૭ માળની ઇમારત બનાવાશે. આ કામ ૧૦ વર્ષમાં પૂરું થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




