નડિયાદઃ સોમવારઃ- ખેડા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે ખેડૂત તાલીમ કેન્દ્ર, ઠાસરા ખાતે આદર્શ પશુપાલન વિષય ઉપર કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કિસાન ગોષ્ઠીને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન ચાવડાએ ખુલ્લી મુકતાં જણાવ્યું હતું કે, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. શહેરોની સાથે સાથે ગામડાઓ પણ વિકાસ કરી રહયા છે પરંતુ મનુષ્યને જીવવા માટે હવા-પાણીની જેમ જ ખોરાકની પણ જરૂરીયાત છે. મહિલા કૃષિકારોએ વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતીની સાથે પશુપાલનમાં વ્યવસાય તરફ રસ કેળવવો પડશે. પશુપાલન દ્ધારા મળતી દૂધની આવકથી મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. જે ઘરના નાના-મોટા તેમજ દરરોજના ખર્ચને પહોંચી વળવા માટે પુરતી હોય છે અને સ્વમાનથી જીવી શકે છે.
ઠાસરા તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી હાર્દિકભાઇ પટેલે મહિલાઓને પશુપાલન વ્યવસાય અપનાવી સામાજિક, આર્થિક રીતે પ્રગતિ કરવા જણાવ્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સોનારાએ જણાવ્યું હતું કે, ખેતીના વ્યવસાયમાં ખેડા જિલ્લાની મહિલાઓએ આવડત અને દુરંદેશીથી રાજયમાં આગવું ઉદાહરણ પુરૂં પાડ્યું છે. ગ્રામ્ય બહેનો કૃષિની સાથે સાથે પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવી ખુબ જ સારા પ્રમાણમાં અમૂલ ડેરી તથા અન્ય ડેરીમાં દુધ પુરૂં પાડી રહી છે અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી રહી છે. આદર્શ પશુપાલન કૃષિની સાથે સાથે શ્રેષ્ઠ વ્યવસાય સાબિત થઇ રહયો છે જેનો શ્રેય બહેનોને જાય છે.
નાયબ પશુપાલન અધિકારીશ્રી જોષીએ પશુપાલન કરતી બહેનોને પશુની પસંદગી, ઉછેર, ખોરાક, રસીકરણ, ગાભણ અને દોહન જેવી મહત્વની બાબતોનો સવિસ્તાર ખ્યાલ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, વધુ પશુઓ રાખવાની હોડ ના રાખતા જે પશુનું પાલન કરીએ તે શ્રેષ્ઠ પશુઓ જ હોવા જોઇએ, તેવો આગ્રહ રાખશો તો એકંદરે ફાયદામાં રહેશો. શ્રેષ્ઠ પશુની પસંદગીથી તેની માવજતનો ખર્ચ ઓછો આવે છે અને દુધ ઉત્પાદન સરળતાથી વધારી શકાતું હોય છે. તેથી રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાથી આર્થિક રીતે નફાકારક સાબિત થાય છે.
આ પ્રસંગે ઉપસ્થિત પશુ ચિકિત્સકશ્રી પાટેર, ર્ડા.શ્રી પ્રજાપતિ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી પી.કે.શર્મા, શ્રી ઝાલાએ તેઓના વિષયને લગતી બાબતોની વિસ્તૃત છણાવટ કરી પશુપાલન વ્યવસાયમાંથી વધુ આવક મેળવવાની સરળ પધ્ધતિઓથી મહિલાઓને અવગત કરી હતી.
આ પ્રસંગે પશુપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાની બહેનોનું મહાનુભાવોના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ઠાસરા ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા પશુપાલન તથા કૃષિ સાથે સંકળાયેલી તાલુકાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



