નાંદોદ તાલુકાના શેડો એરિયામાં આવેલ મોટી ભમરી, બિતાડા, પલસી, મોજી, ખુટાઆંબા, આમલી, ગાગર, ગાડીત, બોરીદ્રા અને નાની ચીખલી ગામ ખાતેનાં મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે નાંદોદ વિસ્તારનાં શેડો મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ સંદેશાવ્યવહાર આપ-લે પ્રક્રિયાની ચકાસણી સાથે કરેલું નિરીક્ષણ
નવા ટાવરો ઉભા કરવાની કામગીરીને લીધે આગામી દિવસોમાં શેડો એરીયામાં ઘટાડો થવાની સંભાવના
રાજપીપળા : જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના શેડો એરિયામાં આવેલ મોટી ભમરી, બિતાડા, પલસી, મોજી, ખુટાઆંબા, આમલી, ગાગર, ગાડીત, બોરીદ્રા અને નાની ચીખલી ગામ ખાતેનાં મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ મતદાનના દિવસે સંદેશા વ્યવહારની આપલે માટે ઉપયોગમાં લેવાનારા વાયરલેસ અને વોકીટોકી સેટનાં ડેમોન્સ્ટ્રેશન-નિદર્શન થકી તેની ચકાસણી કરી હતી. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, નાંદોદનાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.ડી. ભગત અને વન વિભાગનાં અધિકારીઓ પણ આ મુલાકાતમાં સાથે જોડાયાં હતાં.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાનાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના ૧૦૩ જેટલા મતદાન મથકો શેડો એરિયામાં આવેલ છે, જે પૈકી નાંદોદમાં- ૩૧ અને દેડીયાપાડામાં ૭૨ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સંદેશાવ્યવહાર આપલેનાં ડેમોન્સ્ટ્રેશન માટે જિલ્લાનાં ઉક્ત ૧૦૩ જેટલા તમામ મતદાન કેન્દ્રો ખાતે પોલીસ અને વન વિભાગનાં ફરજ ઉપર રહેનારા કર્મચારીઓને વાયરલેસ અને વોકીટોકી સેટ્સ સાથે તૈનાત કરાયા હતાં, જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે નાંદોદ વિસ્તારનાં આ ગામોની મુલાકાત દરમિયાન વાયરલેસ અને વોકીટોકી સેટના સંચાલનની ચકાસણી ઉપરાંત આ ગામોમાં જે તે કંપનીઓ તરફથી ઉપલબ્ધ નેટવર્કની પણ ચકાસણી કરી તેની જાણકારી મેળવી હતી. જેથી મતદાનના દિવસે વાયરલેસ-વોકીટોકી સેટ સિવાય ઉપલબ્ધ અન્ય નેટવર્કની સુવિધા વિકલ્પરૂપે તેનો ઉપયોગ કરી શકાય. જિલ્લામાં JIO કંપની દ્વારા નવા ટાવર ઉભા કરવાની કામગીરી થઇ રહેલ હોઇ આગામી દિવસોમાં શેડો એરિયાનાં મતદાન કેન્દ્રોની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે, તેમ જણાવી મતદાનનાં દિવસે BSNL ને તેની સેવાઓ અવિરતપણે ચાલુ રહે તે જોવાની પણ સૂચના આપી હોવાની પટેલે જાણકારી આપી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




