રાજપીપળા:
દેશની કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા દેશના ૧૧૫ જેટલા મહત્વના જિલ્લાઓના સર્વાંગી પરિવર્તન માટે મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે કરાયેલી ઘોષણામાં ગુજરાતના માત્ર બે નર્મદા અને દાહોદ જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. ત્યારે અન્ય જિલ્લાઓની સરખામણીમાં શિક્ષણ, આરોગ્ય,કૃષિ, સિંચાઇ, પશુપાલન, પોષણ, નાણાંકીય સમાવેશ અને કૌશલ્ય વિકાસ તેમજ માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે નર્મદા જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને ઉપલબ્ધિઓ અંગે કેન્દ્રીય કોલ મંત્રાલયના અધિક સચિવ અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ આર.પી. ગુપ્તાએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓની આજે બેઠક યોજીને વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે ઝીણવટભરી પ્રાથમિક સમીક્ષા કરી હતી. તેમણે ઉક્ત તમામ ક્ષેત્રોમાં સઘનઅમલીકરણની દિશામાં ઘનિષ્ઠ પ્રયાસોની જરૂરીયાત પર ભાર મુક્યો હતો.
રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી ઉક્ત બેઠકમાં દેશ અને રાજ્યનાં અન્ય જિલ્લાની જેમ નર્મદા જિલ્લામાં પણ ઉક્ત વિવિધ ક્ષેત્રોમાં સરેરાશ સર્વાંગી વિકાસ થાય તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરાયેલા કાર્યકારી એક્શન પ્લાન સંદર્ભે જરૂરી સુચનો કર્યા હતા. તેમજ સુચન મુજબના સુધારા-વધારા સાથેનો સમયબધ્ધ “એક્શન પ્લાન” ઘડી કાઢવા “ટીમ નર્મદા” ને સુચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જી.આર. ધાકરે, નાયબ વન સંરક્ષક ડૉ. શશીકુમાર,પ્રાયોજના વહિવટદાર બી.વી. બારીયા, જિલ્લા આયોજન અધિકારી આઇ. કે. પટણી સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકને સંબોધતા કેન્દ્રીય પ્રભારી સચિવ આર.પી. ગુપ્તાએ જિલ્લામાં આરોગ્ય સવલતો અંગે વિશેષ ભાર આપતા સંસ્થાકીય સુવાવડ, માતા-બાળ મૃત્યુ દરની સ્થિતિ તેમજ ઉપલબ્ધ દવાખાનાઓ ઉપરાંત તજજ્ઞ તબીબોની ઉપલબ્ધ સેવાઓ તેમજ તબીબોની ઘટ તેમજ આંગણવાડી કેન્દ્રોના બાળકોના પોષણ આહાર અને તેની નિયમિતતા વગેરે જેવી બાબતો અંગે પણ તલસ્પર્શી જાણકારી મેળવી તેમણે વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લા પંચાયતના ભરતી કેલેન્ડરની કાર્યસૂચિ સંદર્ભે પણ તેઓશ્રીએ જિલ્લામાં સમગ્રતયા તબીબોની ઘટ ખાસ કિસ્સામાં સાગમટે પૂર્ણ થાય તેવી વિશેષ દરખાસ્ત રજુ કરવા પણ આરોગ્ય તંત્રને સુચના આપી હતી.
કેન્દ્રીય પ્રભારી સચિવ આર.પી. ગુપ્તાએ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણમાં ધોરણ- ૧ માં પ્રવેશપાત્ર ભૂલકાંઓનો પ્રવેશ, મંજૂર મહેકમ સામે શિક્ષકોની ઉપલબ્ધિ અને તેની ઘટ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂર જગ્યાઓ સામે ભરાયેલી જ્ગ્યાઓની સ્થિતિ, સાગબારા અને ડેડીયાપડામાં ખાલી શિક્ષકોની જગ્યા ઝડપથી મહત્તમ પ્રમાણમાં ભરવા, વિવિધ સરકારી યોજનાઓ સંદર્ભે જરૂરીયાત મુજબના તમામ લાભાર્થીઓના બેંકમાં જન-ધન ખાતા ખોલાવવા, આઇ.ટી.આઇ. દ્વારા, ઉદ્યોગોની જરૂરીયાત મુજબના વિવિધ ટેકનીકલ કોર્ષના તાલીમ વર્ગોનું આયોજન કરવા, કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સંખ્યા વધારવા, તાલીમ બાદ રીપ્લેસમેન્ટ અને સ્વરોજગારી સંબંધી જરૂરી સર્વેક્ષણ કરવા, પ્રવાસન-ગાઇડના તાલીમ વર્ગોનું આયોજન કરવા વગેરે જેવી બાબતોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય પ્રભારી સચિવ ગુપ્તાએ નર્મદા જિલ્લામાં કૃષિ ક્ષેત્રે સોઇલ હેલ્થકાર્ડ, પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના, સિંચાઇ સવલતો, જુના તળાવોને ઉંડા કરવા ઉપરાંત વિજ સુવિધા સહિતની અન્ય માળખાકીય સુવિધાઓ અંગે પણ તેમણે તલસ્પર્શી જાણકારી મેળવીને તે દિશાની કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તેવા સુચનો પણ તેમણે કર્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"