પૈસા પરત આપવાની ઈમાનદારીથી કોશિશ કરી
ન્યુ દિલ્હી,તા.૧૪
ભારત પરત આવવાથી ડરી રહેલા ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાની બેચૈનીમાં સતત વધારો થઈ રહ્યો છે. માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંકોને કેમ નથી કહેતા કે તેઓ મારી પાસેથી પૈસા લઈ લે. માલ્યાના જણાવ્યા પ્રમાણે તેણે સેટલમેન્ટની ઓફર આપી દીધી છે. ગુરુવારે સવારે માલ્યાએ પોતાના બચાવમાં વધુ એક ટ્વટિ કર્યું છે.
નોંધનીય છે કે લોકસભામાં પીએમ મોદીએ નામ લીધા વગર માલ્યા પર હુમલો કર્યો હતો. લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે ‘જે લોકો દેશમાંથી ભાગી ગયા છે તેઓ ટ્વિટર પર રડી રહ્યા છે કે હું તો નવ હજાર કરોડ રૂપિયા લઈને નીકળ્યો હતો પરંતુ મોદીજીએ તો મારા ૧૩ હજાર કરોડ જપ્ત કરી લીધા છે.
માલ્યાએ પીએમ મોદીની આ જ વાતનો ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. માલ્યાએ લખ્યું કે, “પીએમના છેલ્લા ભાષણ અંગે મને જાણ થઈ છે. તેઓ બહુ સારા વક્તા છે. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે એક વ્યક્તિ રૂ. નવ હજાર કરોડ લઈને ભાગી ગયો છે. તેમનો ઈશારો મારા તરફ હતો. હું ખૂબ જ આદર પૂર્વક પીએમ મોદીને પૂછવા માંગું છું કે તેઓ બેંકોને મારી પાસેથી પૈસા લઈ લેવાનું શા માટે નથી કહેતા. આનાથી પબ્લિક ફંડની રિકવરી થઈ જશે. મેં કર્ણાટક હાઇકોર્ટમાં પહેલા જ સેટેલમેન્ટની ઓફર આપી દીધી છે.”
નોંધનીય છે કે કિંગફિશરના માલિક વિજય માલ્યાના ભારત પરત લાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. માલ્યાના ભારત પરત મોકલવાને લઈને બ્રિટનના ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




