રાજકીય વાતાવરણ સ્વચ્છ રહે તેના માટે આ નિર્ણય લેવાયોઃ સુરેન્દ્ર જૈન
ન્યુ દિલ્હી,તા.૬
વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિરને લઇને મોટી જાહેરાત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર મહિના સુધી રામ મંદિર નિર્માણ માટે કોઈ આંદોલન નહીં થાય. આ જાહેરાત દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વીએચપીના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કરી છે. તેમણે કહ્યું કે, જોવામાં આવે તો વીએચપી દ્વારા ૪ મહિના માટે રામ મંદિરના આંદોલન પર વિરામ મૂકવામાં આવ્યો છે, જેથી કોઈ પણ આંગળી ના ચીંધી શકે કે અમે કોઈ ખાસ પાર્ટીને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરીએ છે.
સુરેન્દ્ર જૈનનું કહેવું છે કે રાજકીય વાતાવરણ સ્વચ્છ રહે તેના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, દરેકને ખબર છે કે આ ધર્મ સંસદ છે જેનો સંબંધ વીએચપી સાથે છે. જે ૧૯૮૪થી આંદોલન કરી રહ્યું છે. રામ મંદિરનું નિર્માણ પણ આ જ કરશે. બાકી તો તેમની નકલ કરી રહ્યા છે. ભાજપ સરકારની નિયત સાફ છે.
આ પહેલા રામ મંદિરને લઇને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે પણ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ૨૧ ફેબ્રુઆરીએ રામ મંદિરનું બાંધકામ શરૂ કરશે. લગભગ ૫૦૦ સાધુ-સંત અયોધ્યા જશે અને મંદિર બનાવવાની કામગીરી શરૂ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



