અંતરિક્ષમાં છોડાયેલા હાઇસિસે સૌપ્રથમ તસવીર ગુજરાતની મોકલી

0
6

ન્યુ દિલ્હી,તા.૪
ઇસરો દ્વારા ગઇ ૨૯મી નવેમ્બરના રોજ અંતરિક્ષમાં છોડાયેલા હાઇસિસે (હાઇપર સ્પેક્ટ્રમ ઇમેજીંગ સેટેલાઇટ) સૌપ્રથમ તસવીર મોકલી છે. જેમાં ગુજરાતના લખપતનો વિસ્તાર સ્પષ્ટ દેખાતો હતો. ઇસરો એ પણ જાહેર કર્યું હતું કે એનઆરએસસી હૈદ્રાબાદ ખાતે ઝીલાયેલી આ તસવીર લખપત વિસ્તારની છે અને તેમાં લખપતનો કિલ્લો પણ દર્શાવાયો છે. હાઇસિસ દ્વારા પ્રાપ્ત કરાયેલી તસવીરોને ખેતી, જમીનની માપણી, પર્યાવરણીય દેખરેખમાં ઉપયોગ કરી શકાય છે.
ઇસરોએ કહ્યું કે હાઇસિસમાંથી જે તસવીર મળી છે તેનાથી એજન્સી સંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે કે ૨૯મી નવેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી પીએસએલવી-સી૪૩ રોકેટથી હાઇસિસને ૩૦ બીજા આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોની સાથે પ્રક્ષેપિત કરાયો હતો.
હાઇસિસ ૩૮૦ કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ છે, જેનાથી પૃથ્વીની સપાટીનો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના દૃશ્ય, ઇન્ફ્રારેડ અને શોર્ટવેવ ઇન્ફ્રારેડ વિસ્તારોમાં નજીકનો અભ્યાસ કરાશે.ISROના મતે રોકેટ લોન્ચિંગના ૧૧૨ મિનિટ (એક કલાક ૫૨ મિનિટ) પછી મિશન પૂરું થયું હતું.
લખપતનો કિલ્લો ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે. જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. ૧૮૦૧માં બંધાવ્યો હતો. લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. ૧૮૧૯ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ હતો. તે કચ્છ ક્રોમબેલ તરીકે જાણીતો હતો. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઊભો છે. કચ્છમાં ૧૮૧૯ અને ૨૦૦૧માં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે “ફતેહ સાગર” નામે ગ્રંથ રચ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY