પણજી,તા.૧૯
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા જિતેન્દ્ર અવહદે પૂર્વ રક્ષામંત્રી મનોહર પારિકરનાં મોત પર વિવાદિત નિવેદન આપ્યું છે. એનસીપીના નેતાએ કહ્યુ છે કે, રાફેલ ડીલમાં બલિ ચઢનારા મનોહર પારિકર પ્રથમ વ્યકિત છે. જિતેન્દ્ર અવહદના જણાવ્યા પ્રમાણે મનોહર પારિકર રાફેલ ડીલને લઈને ખૂબ જ દુઃખી હતા.
જિતેન્દ્ર અવહદે કહ્યુ કે, “મનોહર પારિકર ખૂબ જ ભણેલા-ગણેલા વ્યકિત હતા. મને લાગે છે કે રાફેલ ડીલને લઈને તેઓ ખુશ ન હતા, આથી જ તેમણે ગોવા પરત જવાનો નિર્ણય લીધો હતો. આજે તેઓ નથી એટલે આપણે આવી વાતો ન કહેવી જાઈએ, પરંતુ મને લાગે છે કે તેઓ રાફેલ ડીલના પ્રથમ શિકાર છે.”
નોંધનીય છે કે મનોહર પારિકર જ્યારે દેશના સંરક્ષણ મંત્રી હતા ત્યારે રાફેલ ડીલ થઈ હતી. સુપ્રીમ કોર્ટ અને કેગ તરફથી કિલનચીટ મળ્યા બાદ પણ કોંગ્રેસ આ ડીલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવતી રહી છે.
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર છેલ્લા થોડા સમયથી પેન્ક્રિયાસ કેન્સરથી પીડાતા હતા. અમેરિકા, દિલ્હી અને ગોવામાં તેમના રોગની સારવાર કરવામાં આવી હતી. પારિકરને ૩૧મી જાન્યુઆરીના રોજ એઈમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્રીજી માર્ચના રોજ તેમને ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ચેક અપ માટે દાખલ કરાયા હતા. ફેબ્રુઆરીમાં પારિકરનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ઓક્ટોબર ૨૦૧૮માં જ્યારે મનોહર પારિકર બીમાર હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ તેઓ ગોવાની રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં જ્યારે મનોહર પારિકરને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પ્રમોદ સાવંતે લોકોને આ અંગેની માહિતી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



