પણજી,તા.૧૯
શપથ લેવાના કેટલાક કલાક બાદ જ ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મંગળવારે જણાવ્યું કે, તેમની સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે બુધવારે બહુમત પરીક્ષણની માગ કરી છે. ગોવામાં ભાજપની આગેવાનીવાળી સરકારે કુલ ૨૧ ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે. જેમાં ભાજપના ૧૨, ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના ૩-૩ ધારાસભ્ય તથા ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ટેકો હોવાનું જણાવાયું છે.
ચાલુ વર્ષે ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝા અને હવે રવિવારે મુખ્યમંત્રી પર્રિકરના નિધન ઉપરાંત ગયા વર્ષે કોંગ્રેસના બે ધારાસભ્ય સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તેના રાજીનામાને કારણે વિધાનસભામાં કુલ સભ્યોની સંખ્યા ૩૬ રહી ગઈ છે. ૪૦ સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે અને તેના ૧૪ ધારાસભ્યો છે. એનસીપીનો પણ એક ધારાસભ્ય ચૂંટાયેલો છે.
મંગળવારે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ સાવંતે પત્રકારોને જણાવ્યું કે, “અમે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ બુદવારે વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવે. અમે તેના માટે તૈયાર છીએ.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




