પટના,તા.૧૯
રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) સુપ્રીમો લાલૂ યાદવની પુત્રી અને રાજ્યસભાના સાંસદ મીસા યાદવે કેન્દ્રીય મંત્રી રામ કૃપાલ યાદવને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મીસાએ ૧૬ જાન્યુઆરીએ પટનામાં વિક્રમ વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જ્યારે મને જાણ થઇ કે રામ કૃપાલ આરજેડી છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે, મને મન થયું કે, હું તેમના હાથ કાપી નાખું.
મીસાએ જણાવ્યું હતું કે, તેઓ(રામ કૃપાલ યાદવ) અમારે ત્યાં ઘાસ કાપતા હતા. તેમના માટે અમારા મનમાં અત્યંત સમ્માન હતું. પરંતુ તેમણે સુશીલ કુમાર મોદી સાથે હાથ મિલાવ્યા બાદ તેમના પ્રત્યે બધુ સમ્માન ઘટી ગયું હતું. ત્યારે મને મન થયું કે, ઘાસ કાપવાના મશીનથી જ તેમના હાથ કાપી નાખું.
નોંધનીય છે કે, રામ કૃપાલ યાદવ પહેલા આરજેડીમાં સામેલ હતા અને તેઓ લાલૂ યાદવના અત્યંત નજીકના લોકોમાંના એક હતા. પરંતુ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી પહેલા જ તેઓ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. રામ કૃપાલે ૨૦૧૪માં ભાજપની ટિકિટ પર પાટલીપુત્ર બેઠકથી ચૂંટણી લડીને આરજેડીના ઉમેદવાર મીસા ભારતીને હરાવ્યા હતા. મીસા ભારતીએ જણાવ્યું હતું કે, આ વખતે તેઓ ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





