પુરી,તા.૧૦
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘ફેની વાવાઝોડા’થી પ્રભાવિત પુરીના હોટલ ઉદ્યોગને વિશેષ પેકેજ આપવા માટે વિનંતી કરતો પત્ર નાણા મંત્રી અરૂણ જેટલીને લખ્યો છે. નાણા મંત્રી અરૂણ જેટલીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, પુરી શહેરમાં બેન્કિંગ ક્ષેત્ર પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. શહેરમાં ૨૭૩માંથી માત્ર ૨૦ એટીએમ કામ કરી રહ્યા છે અને બેન્કની માત્ર ૨૫ ટકા બેન્કો જ કાર્યરત છે. શહેરમાં રોકડની તંગી સર્જાઈ છે અને પાસબુક બતાવ્યા બાદ બેન્કો તરફથી માત્ર રૂ.૨૦૦૦ રોકડા આપવામાં આવે છે. આથી બેન્કોને પીઓએસ ડિવાઈસ દ્વારા લોકોને નાણા મળી રહે તેવી વ્યવસ્થા કરવા સુચના આપી છે અને સાથે જ જિલ્લામાં મોબાઈલ એટીએમની સંખ્યા વધારવા વિનંતી કરી છે.
તેમણે નાણા મંત્રીને વધુમાં વિનંતી કરી છે કે, ‘ફેની વાવાઝોડા’એ વેરેલા વિનાશના કારણે સમગ્ર પુરી જિલ્લાનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે. જિલ્લામાં આવેલી હોટલોને મોટું નુકસાન પહોંચ્યું છે. આથી હોટલ ઉદ્યોગને બેઠા થવા માટે વિશેષ આર્થિક સહાયની જરૂર છે. હોટલો બંધ થઈ જવાને કારણે ધાર્મિક શહેર એવા પુરીમાં પ્રવાસન ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે. જિલ્લામાં અસંખ્ય લોકો પ્રવાસન ઉદ્યોગ થકી જ ગુજરાન ચલાવી રહ્યા છે અને હાલ પ્રવાસન ઉદ્યોગની કેડ ભાંગી ગઈ છે.
તેમણે નાણા મંત્રીને વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓ માટે એક વિશેષ પેકેજ આપવા જણાવ્યું છે. હાલ જે લોન ચાલી રહી છે તેમાં રાહત આપવા અને નવી લોન લેનારને વ્યાજ દરમાં વિશેષ છૂટ આપવા પણ વિનંતી કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



