રાજપીપળા,તા.૫
શુક્રવારે સરદાર સરોવર નર્મદા ડેમનો ૫૮મો સ્થાપના દિન હતો, ત્યારે જ સારા સમાચાર મળ્યા. ગત વર્ષે પડેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થઈ હતી, ત્યારે સ્થાપના દિવસ પર નર્મદા ડેમની જળસપાટી વધી હોય તેવા સમાચાર મળ્યા.
નર્મદા ડેમના સ્થાપના દિવસે જ ગુજરાતવાસીઓને સમાચાર મળ્યા કે, નર્મદા ડેમની જળસપાટીમાં ૩૬ કલાકમાં ૧૫ સે.મી.નો વધારો થયો છે. ઈન્દિરાસાગર ડેમનાં જળવિદ્યુત મથકો શરૂ થતાં જ સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. બે દિવસથી પાણીની આવક ૩૯૪૪૫ ક્યુસેક નોંધાઇ છે. પાણીની આવક વધતા, બે દિવસ પહેલા પાણીની સપાટી ૧૧૯.૨૩ મીટર હતી, જે આજે ૧૫ સેન્ટીમીટરનાં વધારા સાથે ૧૧૯.૩૮ મીટરે પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યભરમાં આગ ઓકતી ગરમી છે. લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ, ગુજરાતના અનેક વિસ્તારો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના અનેક ડેમો અને સરોવર તળિયાઝાટક સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે આ સમાચાર ઠંડક લાગે તેવા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



