રાજ્ય માં રેતી ચોરી ના મસમોટા હપ્તા :ડ્મ્પર દીઠ ૫ હજાર રૂપિયા ને, ટ્રેકટરના બે હજાર રૂપિયા, છે ને જલસા!!

0
40

દરોડો પાડવાનો થાય ત્યારે અગાઉથી ફોન કરી ચેતવણી આપી દેવાય છે ! : ખાણ-ખનીજ, પોલીસ, રેવન્યુ, રાજકારણીઓ વગેરે વચ્ચે ‘વહીવટ’માં ભાગ પડે છે.

રેતી ચોરીના રાજ્યવ્યાપી કારસ્તાનમાં બહાર આવતી મીલીભગતની હકિકતો અનુસાર હપ્તાખોરીની સજ્જડ ચેનલ ગોઠવાયેલી છે. સ્થાનિક કક્ષાએથી આ ચેનલ તોડવી મૂશ્કેલ છે. આ ‘વહિવટ’માં કોની કોની અને કેવી રીતે ભાગીદારી હોય છે ? તે બાબત ૫ણ રસપ્રદ છે. વળી, ક્યારેક ધરાર દરોડો પાડવાનો થાય ત્યારે તંત્રમાં બેઠેલા વિભિષણો અગાઉથી જ પાગીયા બનીને રેત માફિયા તત્વોને જાણ કરી દેતા હોય છે! જેને લઇને ગણતરીની મીનીટોમાં ઘટનાસ્થળેથી બધુ સગેવગે થઇ જાય છે.

રેતી ચોરીના કારસ્તાનમાં ગોઠવાયેલી હપ્તા સિસ્ટમ અંગેની વિગતો એવી છે કે, રેતી ચોરી થતી હોય તેવા સ્થળોએ સ્થાનિક ખાણ-ખનીજ વિભાગ, પોલીસ તંત્ર, રેવન્યુ વિભાગ અને રાજકારણીઓની મીલીભગત હોય છે. અલબત, બધા લોકો ભ્રષ્ટ નથી હોતાં, ૫રંતુ પ્રામાણિક અધિકારીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી છે.

રેતી ચોરી કરતા તત્વોના જણાવ્યા અનુસાર 12 થી 15-17 ટન રેતી ભરીને જતા ડમ્પર માટે રૂ.5 હજાર અને 3 થી 5 ટન રેતી ભરીને જતા ટ્રેક્ટર માટે રૂ. 2 હજારનો હપ્તો નક્કી થયેલો છે. રેતી ચોરીના કારસ્તાનમાં મોટાભાગની મલાઇ જુદા જુદા તંત્ર જ ખાઇ જાય છે. આ રકમમાંથી ચાર-પાંચ તંત્રને સાચવવામાં આવે છે. હપ્તાની સિસ્ટમમાં પોલીસ તંત્રના હપ્તા વાહન અને ફેરા દીઠ બાંધેલા હોય છે. હપ્તાખોરીમાં સૌથી મોટી ભૂમિકા પોલીસ તંત્રની રહે છે.

જ્યારે રેવન્યુ વિભાગના હપ્તા માસિક નક્કી થયેલા હોય છે. તો ખાણ અને ખનિજ વિભાગનો વહિવટ લીઝ અનુસાર થાય છે. અધુરામાં પુરૂ પાર્ટી ફંડથી લઇને નાના-મોટા કાર્યક્રમોમાં ખર્ચના સ્પોન્સર બનાવી રાજકારણીઓ ૫ણ રેત માફિયા તત્વોનો ઉ૫યોગ કરે છે. થોડુ-ઘણુ બાકી રહી ગયું હોય તો સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ ૫ણ મોઢુ ફાડીને બેઠા હોયત છે. વળી આર.ટી.ઓ. તંત્ર ૫ણ ક્યારેક આવીને ઓવરલોડના નામે પૈસા ૫ડાવી જાય છે. ઘણી વખત ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોર્ડ આવીને પણ મોઢુ મારી જાય છે. આમ રેતીનું એક ડમ્પર કે ટ્રેક્ટર ભરાય એટલે એકી સાથે 6 થી 7 વિભાગ માટેનો ‘વહિવટ’ થાય છે.

એકંદરે હપ્તાની કુલ રકમમાં ગણતરી કરવામાં આવે તો 20 થી 25 ટકા પોલીસ, 15 થી 20 ટકા રેવન્યુ વિભાગ, 22 થી 25 ટકા ખાણ-ખનીજ વિભાગ અને બાકીની 30 થી 35 ટકા રકમ અન્ય જુદા જુદા તંત્રના ફાળે જાય છે. બીજી તરફ જ્યારે દબાણને વશ થઇને રેકર્ડ ઉ૫ર બતાવવા માટે ફરજીયાત દરોડો પાડવાનો થાય ત્યારે હપ્તાખાંઉ તંત્ર દ્વારા અગાઉથી જ ફોન કરીને રેત માફીયા તત્વોને ચેતવણી આપી દેવામાં આવે છે. જેથી કરીને કાફલો ઘટનાસ્થળે ૫હોંચે તે ૫હેલા એકાદ કલાકમાં તો બધુ સગેવગે થઇ જાય છે.

નદીના ૫ટમાં ચાલતા મોટા મોટા હિટાચી મશીન, JCB, ડમ્પરો અને ટ્રેક્ટરોનો કાફલો ગાયબ થઇ જાય છે. અલબત, મોટા મોટા ખાડા સ્વરૂપે રેતી ચોરીના પુરાવા ઘટનાસ્થળે હોય છે. ૫રંતુ કાર્યવાહી કરવાની તંત્રની જ દાનત ન હોય, માટે ઘટનાસ્થળે સબસલામત હોવાનો રિપોર્ટ થઇ જાય છે!

જમીનો બીનખેતી કરવાનું રેવન્યુ વિભાગનું કૌભાંડ

રેતી ચોરીના ગોરખધંધાની અનેક પ્રકારના પેટા કૌભાંડ ૫ણ થઇ રહ્યા છે. આ પૈકી એક ટેકનીકલ કૌભાંડ રેવન્યુ વિભાગમાં ચાલે છે. જમીનો બીનખેતી કરવાના આ કૌભાંડમાં નદી કાંઠા આસપાસની બિનઉ૫જાઉ અને નબળી જમીન હોય તેને રેતી કાઢવા માટે બિનખેતી કરાવવામાં આવે છે. ત્યાર બાદ આ જમીનના નામે બીજી જગ્યાએથી રેતી ચોરી થાય છે. હકિકતે જે જમીન બિનખેતી થઇ હોય ત્યાં રેતી હોતી જ નથી ! રેવન્યુ વિભાગના સ્થાનિક અધિકારીઓને પૈસા મળી જતા હોવાથી ઘટનાસ્થળે તપાસ કરવાની તસ્દી લેવાતી નથી. આ નવા કૌભાંડનું ચલણ હાલમાં ખુબ વધ્યુ છે.

કેસ નબળો પાડવા પંચ-પુરાવામાં રેત માફિયા કે પોતાના જ માણસોની ગોઠવણ ?

આમ તો હપ્તા લઇને રેતી ચોરી માટે પીળો પરવાનો આપી દેવાય છે. ૫રંતુ ક્યારેક વળી કાર્યવાહી કરવાની નોબત આવે તો કેસને નબળો પાડવા માટે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર ભેગા મળીને રોજકામ વગેરે દસ્તાવેજો તૈયાર કરતી વખતે પંચ-પુરાવામાં રેત માફીયા તત્વો કે પોતાના જ માણસોની ગોઠવણ કરી નાખે છે. જેથી કરીને આખા કેસનો પાયો જ નબળો બંધાય છે. બાદમાં સમય પસાર થાય અને લોકો ભુલી જાય ત્યારે કેસ રફેદફે કરી નખાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY