સંગરૂર,તા.૧૧
પંજાબના સંગરૂર જિલ્લામાં ૧૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બે વર્ષના ફતેહવીર સિંહ નામના બાળકને ૧૧૦ કલાકની ભારે જહેમત બાદ મંગળવારે સવારે બહાર કાઢવામાં આવ્યો હતો. જાકે, બહાર આવ્યાના થોડા સમયમાં જ તેનું મોત થઈ ગયું. બોરવેલથી બહાર કાઢ્યા પછી તેને પોલીસ સુરક્ષા સાથે વિશેષ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સંગરૂરના નાયબ કમિશનર ઘનશ્યામ ઠોરીએ જણાવ્યું કે, “ફતેહવીરને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના કર્મચારીઓએ સવારે ૫.૩૦ કલાકની આસપાસ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.”
ફતેહવીરને ઘટનાસ્થળે જ વિશેષ ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર પુરી પાડવામાં આવી હતી. અહીં વેન્ટિલેટરની સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ પણ હાજર રાખવામાં આવી હતી.
ફતેહવીર સિંહ ભગવાનપુરા ગામના પોતાના ઘરની પાસે એક બોરવેલમાં ગુરૂવારે સાંજે લગભગ ૪.૦૦ કલાકે પડી ગયો હતો. બોરવેલનું મોઢું કાપડથી ઢાંકીને રાખવામાં આવ્યું હતું અને આ બાળક રમતો-રમતો તેમાં પડી ગયો હતો. ત્યાર બાદ તેને બચાવવા માટે વ્યાપક સ્તરે એક બચાવ અભિયાન ચલાવાયું હતું.
બચાવ ટીમ બાળક સુધી ઓકિસજન પહોંચાડવામાં સફળ રહી હતી, પરંતુ ભોજન પહોંચાડી શકી ન હતી. બાળકને બચાવવા માટે બોરવેલના સમાંતર એક બીજા બોરવેલ ખોદવામાં આવ્યો હતો અને તેમાં કોંક્રિટથી બનેલા ૩૬ ઈંચના વ્યાસના પાઈપ નાખવામાં આવ્યા હતા. આ ઘટનાએ કૂરૂક્ષેત્રમાં ૨૦૦૬માં આવી જ રીતે બોરવેલમાં પડી ગયેલા પ્રિન્સને બચાવાની ઘટના તાજી થઈ ગઈ હતી. પ્રિન્સને ૪૮ કલાકની મહેનત પછી જીવતો બહાર કાઢવામાં સફળતા મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




