આપણા માટે પોતાનાથી વધારે દળ અને તેનાથી વધારે દેશ છેઃ મોદી
ચુરુ,તા.૨૬
પાકિસ્તાન પર મોટી કાર્યવાહી બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના ચુરૂમાં એક જાહેર સભાને સંબોધિત કરવા પહોંચ્યા. વડાપ્રધાને ચુરૂની સ્થાનિક બોલીમાં લોકોનું અભિવાદન કરી તેમને સંબોધિત કર્યા. રેલીમાં ઉત્સાહિત લોકોને મોદી બોલ્યા, આજે તમારો મિજાજ કંઇક અલગ લાગી રહ્યો છે, હું તમારો આ ઉત્સાહ સમજી રહ્યો છું. આ એવો મોકો છે જ્યારે આપણે આપણા દેશના પરાક્રમી વીરોને માથું નમાવી નમન કરીએ.
ખાસ વાત રહી છે કે પ્રધાનમંત્રી જે મંચ પરથી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેના પર પુલવામામાં શહીદ ૪૦ સીઆરપીએફના જવાનોની તસવીરો પણ લગાવેલી હતી. કહ્યું હું આજે ચુરૂની ધરતી પરથી તમને લોકોને વિશ્વાસ અપાવું છું કે દેશ સુરક્ષિત હાથોમાં છે. વડાપ્રધાને આગળ કહ્યું કે દેશથી વધીને કંઇ નથી હોતું. દેશની સેવા કરનારા, દેશના નિર્માણમાં લાગેલ દરેક વ્યકિતને આ પ્રધાનસેવક નમન કરે છે. ચુરૂ સીકરના હજારો નૌજવાનરાષ્ટ્રરક્ષામાં ડટાયેલા છે આથી આપની સેવા મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી દરમ્યાન ૨૦૧૪માં ચૂંટણી પ્રચાર દરમ્યાન ચર્ચામાં આવેલી કવિતા ‘મેં દેશ નહીં ઝૂકને દૂંગા’ ફરીથી દોહરાવી. મોદી એ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, ‘સોગંધ મુજે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં ઝૂકને દૂંગા. સોગંધ મુજે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દૂંગા. મેં દેશ નહીં રૂકને દૂંગા. મેરા વચન હૈ, ભારત માં કો તેરા શીશ ઝૂકને નહીં દૂંગા. જાગ રહા હૈ દેશ મેરા, હર ભારતવાસી જીતેગા. સોગંધ મુજે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં ઝૂકને દૂંગા’.
તેમણે કહ્યું કે અમે બાબા ગોરખનાથની ધરતી ગોરખપુરથી પીએમ કિસાન સમ્માન નિધિનું ઉદ્ઘાટન કર્યું અને લાખો કિસાનોના એકાઉન્ટમાં સીધો પહેલો હપ્તો પહોંચી ગયો. આ યોજનાથી રાજસ્થાન અને ચુરૂના ૫૦ લાખ કિસાન પરિવાર લાભાંવિત થશે. જા કે રાજસ્થાનના એક પણ ખેડૂતને તેનો હજુ સુધી લાભ મળ્યો નથી. કારણ છે કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ખેડૂતોની યાદી જ મોકલી નથી. હું કોંગ્રેસ સરકારને વિનંતી કરું છું કે ખેડૂતોના હિતની આ યોજનાને રોકવાનું કામ ના કરો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





