ક્રિકેટના સટ્ટામાં અગાઉ મોટું કામ કરતા લિંબાયત પ્રતાપનગરમાં પીસીબીએ ગતરાત્રે છાપો મારી ટી-૨૦ શ્રૃંખલાની ભારત-બાંગ્લાદેશની મેચ ઉપર સટ્ટો રમાડતા શિવાજી સાળુંકે સહિત ત્રણને ઝડપી લીધા હતા અને કતારગામના બુકી ભદ્રેશને વોન્ટેડ જાહેર કર્યો છે. પીસીબીના એએસઆઇ રમેશભાઇ અને ટીમે ગતરાત્રે લિંબાયત પ્રતાપનગર બ્લોક નં. ૫૭/૧ના બીજા માળે રહેતા શિવાજી બબનભાઇ સાળુંકે (ઉ.વ. ૩૮)ના રૂમમાં છાપો મારી શિવાજી ઉપરાંત કિરણ શાંતારામ પાટીલ (ઉ.વ. ૩૩) (રહે. ૧૩, ૧૪, વિશ્રાંતી પાર્ક, ગોડાદરા, લિંબાયત, સુરત) અને પ્રકાશ સોનાર (રહે. ૧૮૨, મહાદેવનગર સોસાયટી, વિભાગ-૪, નવાગામ ડીંડોલી, સુરત)ને ટી-૨૦ પર સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ. ૩૨૭૦, ટી.વી., લેપટોપ, રૂ. ૧૧,૫૦૦ની કિંમતના પાંચ મોબાઇલ ફોન, સેટટોપ બોક્સ મળી કુલ રૂ. ૩૬,૨૨૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. શિવાજી ગ્રાહકો પાસેથી ફોન ઉપર લગાઇ લઇ કતારગામના બુકી ભદ્રેશ પાસે વલણ કપાવી પોતાનું કમિશન કાઢતો હતો. ભદ્રેશને વોન્ટેડ જાહેર કરાયો છે. અગાઉ ક્રાઇમ બ્રાંચે શિવાજી સાળુંકેને સીટીલાઇટ વિસ્તારમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા મોટી રકમ સાથે ઝડપ્યો હતો. હાલમાં તે નાનાપાયે સટ્ટો રમાડતો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






