જન્મ દિવસે ચોકલેટ વહેંચવાને બદલે દાન આપ્યું
સુરત, તા.૨૩
સુરતમાં રાષ્ટ્રીય ભાવના અને ખાસ કરી શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થવાની ભાવના અખુટ છે. સુરતની સરકારી શાળાના બાળકોએ જન્મદિને ચોકલેટ વહેચવાને બદલે શહીદ પરિવારોને માટે ફંડ એકત્ર કર્યુ છે. સમગ્ર વર્ષની ભેગી થયેલી કુલ ૨૧૦૦૦ની રકમ જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કરી હતી.
સુરત શહેર નાના વરાછા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૧૬ ઈશ્વર પેટલીકર પ્રાથમિક કન્યા શાળામાં શહીદ ફંડની પેટી મુકવામાં આવેલ છે.
શાળાનાં આચાર્ય હંસાબેન પટેલ તથા શિક્ષક ભુપતભાઈ ડુંગરાણીએ જણાવ્યું હતું કે બાળકો તેના જન્મ દિવસે શાળામાં ચોકલેટ વહેંચવાને બદલે શહીદ ફંડની પેટીમાં રકમ નાખે છે. વર્ષ દરમિયાન એકત્ર થયેલ ૨૧૦૦૦ રૂપિયા આજે શાળાની વિદ્યાર્થીનીઓ હાથે જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટી કાનજીભાઈ આર. ભાલાળાને રૂબરૂ મળી રકમ સુપ્રત કરી હતી. કાનજીભાઈ ભાલાળાએ બાળકોની રાષ્ટ્રીય ભાવનાને બિરદાવી અભિનંદન આપ્યા હતા. શાળાના આચાર્ય તથા ઉચ્ચ શિક્ષક ગણને પણ રાષ્ટ્રીયકાર્ય બદલ અભિનંદન આપ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



