સુરત,તા.૨૩
ઉત્રાણ અને અમરોલીને જાડતાં મનીષા ગરનાળા પરના રેલ્વે ફ્લાય ઓવર બ્રિજનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવાની શરતે ઇજારેદારને આપવામાં આવ્યુ્ં હતું. અનેક કારણોસર ઓવર બ્રિજના કામને પૂર્ણ કરવામાં લગભગ ત્રણ ગણો એટલે કે છ વર્ષનો સમય લાગી ગયો છે. હાલ તેનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે ત્યારે સંભવતઃ આ ઓવર બ્રિજનું આવતાં સપ્તાહમાં લોકાર્પણ કવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે. અમરોલી તરફથી ઉત્રાણ, કાપોદ્રા, નાના વરાછા,મોટા વરાછા, સરથાણા, સીમાડા, કામરેજ અને નેશનલ હાઇવે નં-૮ પર સીધા જ જવાની સુવિધા શહેરના છેવાડાના વિસ્તારો જેવા કે ઓલપાડ, જહાંગીરપુરા, કોસાડ વગેરે વિસ્તારના લોકોને મળી શકે તેમ છે.
અમરોલી ઉત્રાણને જાડતાં બ્રિજનો લાભ લગભગ ૮થી ૧૦ લાખ લોકોને અસર કરતો હોવાથી તેનું કામ ઝડપથી પૂર્ણ થાય અને ઓવર બ્રિજનુ જલ્દીથી લોકાર્પણ થાય તેવી માંગ વારંવાર પ્રજામાંથી અને નગરસેવકો દ્વારા ઉઠવા પામી હતી. કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડિયા દ્વારા તો આ ઓવર બ્રિજના કામના મુદ્દે ઇન્સ્પેક્શન પણ માંગવામાં આવ્યું હતું. આમ છતાં બે વર્ષમાં પૂર્ણ થનારા આ ઓવર બ્રિજના કામને પૂર્ણ થવામાં છ વર્ષ લાગી ગયા. અત્યાર સુધીમાં અનેક લોકોએ આ બ્રિજનો મુદ્દો રાજકીય પણ બનાવી દીધો હતો. હજુ પણ આ ઓવર બ્રિજના લોકાર્પણ પૂર્વે કેટલાક તકવાદી રાજકારણીઓ ફાયદો ઉઠાવવા દોડી રહ્યાં હોવાની વાત સ્થાનીક લોકોમાંથી જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




