પ્રદૂષણ મુક્ત યાતાયાતની સુવિધા ઉપલબ્ધ થશે
સુરત, તા.૨૭
આજના સાંપ્રત સમયમાં શહેરમાં વિકટ થતી જતી યાતાયાતની પરિસ્થિતિ હળવી કરવા શહેરમાં વાહન વ્યવહારના નવા વિકલ્પો જેવાં કે સીટી બસ, બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ કરી માસ ટ્રાન્સપોર્ટેશનનાં પ્રોજેક્ટમાં સુરત મહાનગરપાલિકાએ સફળતાનાં ડગ માંડેલ છે. જુના તળ સુરતમાં વસ્તી અતિ ગીચ છે. તથા રસ્તાઓ અત્યંત સાંકડા છે. તળ સુરત શહેરમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, કોમર્શિયલ, સરકારી સંકુલ, હેરીટેજ સ્થળો, વિવિધ બજરો, શાળાઓ, સરકારી ઓફિસો વગેરે એકમો આવેલ છે. આ સ્થળોએ મુલાકાત લેતા નાગરિકો-પ્રવાસીઓ-રહેવાસીને ટૂંકા સાંકડા માર્ગ પર યાતાયાતની સરળ અવર જવર કરવું મુશ્કેલ બને છે. તેમજ તેમના પ્રાઈવેટ વાહનોના પાર્કિંગની સમસ્યા પણ ઉપસ્થિત થાય છે. અત્યંત સાંકડા અને ટૂંકા માર્ગ પર થતા વાહન વ્યવહાર દરમ્યાન વાહનોમાંથી સલ્ફર ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી ગેસોનું ઉત્સર્જન થાય છે. જેના લીધે વાતાવરણમાં થતા પ્રદૂષણને કારણે નાગરિકોનાં સ્વાસથ્ય સામે ખતરો ઉભો થાય છે. જેનાં નિવારણ માટે સુરત શહેરમાં નોન મોટરાઈઝડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતર્ગત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પબ્લિક બાયસિકલ શેરિંગ સિસ્ટમના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવેલ છે. જેના થકી નાગરિકોને અોછા ખર્ચે, પબ્લિક વાહનોની પ્રતિક્ષા કર્યા વિના ટૂંકા અંતરના પરિવહન માટે પ્રદૂષણ મુક્ત યાતાયાતની સુવિધા ઉપલબ્ધ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




