ભારતને છંછેડનારા માટે ભારતમાતા ખરા અર્થમા માં દુર્ગા બની : રૂપાણી
સુરત, તા.૧
કાશ્મીરના પુલવામા ખાતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા કરાયેલા કાયરતાપુર્ણ હૂમલામાં શહીદી વહોરનારા સી.આર.પી.એફ.ના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને બોલીવુડ અભિનેતા અક્ષયકુમારની ઉપસ્થિતિમાં ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમ યોજાયો હતો. પુલવામા આતંકી હુમલામાં શહીદોના પરિવારની પડખે આખો દેશ ઉભો છે એ વાતનો ભરોસો આપવા અને શહીદ જવાનોના પરિવારની આર્થિક સહાયતાર્થે આયોજિત આ કાર્યક્રમમાં પુલવામાના શહીદોના પરિવારજનોની સહાય માટે દાનનો ધોધ વરસ્યો હતો. શહીદોના બલિદાન-સમર્પણને યાદ કરી સુરતવાસીઓએ રૂ.૧.૫૦ કરોડની માતબર મદદ દ્વારા ભાવપૂર્ણ વિરાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં વીરરસ અને દેશપ્રેમભર્યા ગીત સંગીતથી દેશભક્તિસભર માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, માતૃભૂમિની રક્ષા કાજે વીર જવાનો વિકટ પરિસ્થિતીમા પણ સીમા પર અડગ રહીને ફરજ બજાવતાં પ્રાણની આહૂતિ પણ આપી દે છે, ત્યારે એક જવાબદાર દેશવાસી તરીકે આપણી સૌની ફરજ બને છે કે સૈનિકોના પરિવારની સાથે ખભે ખભા મિલાવી ઊભા રહીએ.
તેમણે ‘હમ રહે ના રહે, માં તેરા વૈભવ અમર રહે’ સુત્રને આત્મસાત કરી ભારતનો વૈભવ ઉચ્ચ શિખરે બિરાજે એ માટે દેશ એકજૂટ થાય એમ જણાવતાં તેમણે કહ્યું કે, મિગ વિમાન ક્રેશ થવાથી પાકિસ્તાનમાં કબજામાં રહેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર શ્રી અભિનંદન વર્ધમાન આવતીકાલે મુક્ત થશે એ સમાચાર સૌ દેશવાસીઓને ભાવવિભોર બનાવ્યા છે. નામુમકીનને મુમકીન કરનાર નરેન્દ્રભાઈ મોદી જ આતંકીઓનો ખાત્મો કરી શકે છે એવી દેશવાસીઓની ભાવનાને નવું બળ મળ્યું છે. ભારતને છંછેડનારા તત્વો માટે ભારતમાતા ખરા અર્થમાં ‘મા દુર્ગા’ બની છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




