સુરત,તા.૨૮
પાણીનાં બિલો રદ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનર મોટા વરાછાની કેટલીક સોસાયટીમાં લાગ્યા છે. મીટર આધારિત પાણી પ્રથામાં ૨૦૧૭માં નવી નીતિ અમલમાં મુકાયા બાદ પાણીનાં બિલોમાં ૬૦ ટકાથી વધુની રાહત થઇ છે. જાકે, તે પહેલાના બિલો હજી પડતર હોવાથી તેને રદ કરવાની માંગણી ઉઠી છે.
કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર દેવરાજ ગોપાણીએ આ મુદ્દે આંદોલન ચલાવ્યું હતું. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ શાસકોએ મીટર આધારિત પાણી પુરવઠાના દરોમાં તોતિંગ ઘટાડો કર્યો હતો.
આ ઘટાડા બાદ ૨૪ કલાક પાણી પુરવઠો યોજના અમલી છે. ત્યાં પાણીના બીલોમાં મોટો ઘટાડો નોંધાયો છે. મોટા વરાછા, અમરોલી, સહિતના વિસ્તારોમાં હજી બે વર્ષ જૂના પાણીનાં બિલો ભરપાઇ થયા નથી. પાલિકાએ વ્યાજ સાથે વસૂલાત કાઢી છે જે બે વર્ષથી પડતર છે.
મોટા વરાછાની કેટલીક સોસાયટીઓમાં પાણીના બે વર્ષ જૂનાં બિલો રદ નહીં થાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનર લગાડવામાં આવ્યા છે. મતની ભીખ માંગવા કોઇએ આવવું નહીં અને જો કોઇ આવશે તો જોડાનો હાર પહેરાવવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





