એક વર્ષ પૂર્વે કાપોદ્રા સ્થિત જોગી જ્વેલર્સમાં રૂ.૮૨ લાખની ચોરી કરનાર ચોર ઝડપાયો
જ્વેલર્સની દુકાનની બાજુના ઘરની દિવાલમાં બાકોરૂ પાડી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરવામાં આવી હતી
સુરત, તા.૨૯
કાપોદ્રા હીરાબાગ પાસે રચના સોસાયટીમાં આવેલ જાગી જ્વેલર્સની દુકાનમાં એક વર્ષ અગાઉ ૮૨.૪૩ લાખની ચોરી થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૨૫.૭૯ લાખની કિંમતનો સોના ચાંદીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાંચ દ્વારા મળતી માહિતી મુજબ હીરાબાગ પાસે કૈલાશધામ સોસાયટીમાં રહેતાં ગોપાલ કાંતિભાઈ કોઠીયા હીરાબાગ આર.બી. ધામી સ્કૂલની સામે જાગી જ્વેલર્સ દુકાન ધરાવતા હતા. ગત તા.૧૨-૪-૨૦૧૮ની રાત્રિના સમયે તેમની દુકાનમાં ચોરી થઈ હતી. જ્વેલર્સ દુકાનની દિવાલને અડીને આવેલ મકાનમાં બાકોરૂ પાડીને ચોરો જ્વેલર્સ દુકાનમાંથી સોના ચાંદીના દાગીના ૮૧,૬૩,૪૦૦ તથા રોકડા ૮૦,૦૦૦ મળી કુલ ૮૨,૪૩,૪૦૦ની મતા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે પ્રાથમિક કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બનાવમાં રમેશ દેવારામ ચૌધરી સોલંકી ઉ.વ.૨૯ રહે. પ્રિયંકા ટાઉનશીપ રૂમ નં.૬૩ ડીંડોલી બસ સ્ટેશન મૂળ રહે. ઝુંજાની તા.ભીનમાલ, જિ. જાલોર (રાજસ્થાન)ને પરવત પાટીયા અર્ચના સ્કૂલ પાસેથી ઝડપી લીધો હતો. રમેશ ચૌધરી પાસેથી સોનાની લગડી ૧૦૩૫ ગ્રામ ૧૨૦ મીલીગ્રામ, કિંમત રૂ.૨૫,૦૩,૯૫૦ તથા ચાંદીના દાગીના ૨૬૬૩ ગ્રામ કિંમત ૭૦,૩૦૨ અને મોબાઈલ મળી ૨૫,૭૯,૨૫૨નો મુદ્દામાલ કબજે લીધો હતો.
પ્રાથમિક પૂછપરછમાં રમેશે જણાવ્યું કે, તેનો નાનો ભાઈ જેસારામ અને તેના સાથીïદારોએ ચોરી કરી હતી અને ઝડપાઈ જવાની શક્યતાથી તેઓએ મુદ્દામાલ મને સાચવવા માટે આપેલ હતો. પોતે કાપડનો ધંધો કરતો હોવાથી પાંચેક દિવસ પહેલાં ગામ જઈ ચોરીનો મુદ્દામાલ સુરત લાવી કોઈ સોનીને વેચવા માટે ફરતો હતો. આ બનાવમાં અગાઉ કાપોદ્રા પોલીસે નાગજીરામ મેઘવાડ, હરશન કલવી, જેસારામ ચૌધરી, લીલારામ મેઘવાડની ધરપકડ કરી છે. આજે ઝડપાયેલ રમેશનો કોઈ ગુનાહિત ઈતિહાસ નતી તેને માત્ર ચોરીનો માલ સાચવ્યો હતો અને વેચવા નીકળતા ઝડપાઈ ગયો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




