વ્યારામાં બે કિમી લાંબી રેલીમાં વિશાળ જનમેદની ઉમટી
સુરત, તા.૩
બારડોલી લોકસભાના ભાજપાના ઉમેદવાર પ્રભુ વસાવાએ વ્યારા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે, અંદાજે ૨ કિલોમીટર જેટલી નિકળેલી મહારેલીમાં હજ્જારો કાર્યકર્તાઓએ કેસરી ખેસ પહેરીને જોડાયા હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા-૨૦૧૯ની ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી નામોની જાહેરાત કરવામાં આવી હતી. ૪થી એિલના રોજ ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવાએ વ્યારા કલેક્ટર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આજે સવારથી વ્યારા ખાતે ભાજપા કાર્યાલય ખાતેની એક વિશાળ રેલી કેસરી ખેસ પહેરીને કાર્યકર્તાઓ દ્વારા કાઢવામાં આવી હતી. ભારત માતાકી જય અને વંદેમાતરમ ના ગગન ચુંબી નારાઓ સાથે નિકળેલી આ રેલી વ્યારાના રાજમાર્ગ પર ફરી વળી હતી. બપોરના સુમારે આ રેલી વ્યારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આ રેલીમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જોકે, ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હોય બાકીની પાર્ટીના ઉમેદવારો પણ કાલે ઉમેદવારીપત્રો ભરશે એવું જાણવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



