ઉમેદવારી નોંધાવવા વિશાળ સરઘસ નીકળ્યું
સુરત, તા.૩
નવસારી લોકસભા ૨૫ બેઠક ઉપર આજે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશભાઈ ભીમભાઈ પટેલ દ્વારા ભવ્ય સરઘસ સાથે કોંગ્રેસ કચેરીએ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. કોળી પટેલ સમાજના ઉમેદવારની માંગ બાદ કોંગ્રેસે કોળી પટેલ અને યુવા ઉમેદવાર ધર્મેશ પટેલને ટિકિટ ફાળવતાં તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નવસારી લોકસભાની ચૂંટણી માટે કુલ ૪૬ જેટલા રાજકીય રાષ્ટ્રીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ લઈ જવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ભાજપના સીઆર પાટીલ સહિત કુલ ૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આજરોજ નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વિજલપોર પાલિકાના માજી પ્રમુખ ધર્મેશભાઈ ભીમભાઈ પટેલ દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે પંજાના બેનરો સાથે વિજલપોરથી ઉમેદવારી પત્ર ભરવા માટે સુરત-નવસારીના કાર્યકરો દ્વારા સરઘસ કાઢી નવસારી જિલ્લા કલેક્ટરાલય ખાતે ઉમેદવારી નોંધાવી હતી. ધર્મેશભાઈના મોટાભાઈ ભરતભાઈ પટેલે દરખાસ્ત કરી હતી. જ્યારે ડમી ઉમેદવાર તરીકે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ સુખદેવભાઈ દેસાઈ દ્વારા ડમી તરીકેની ઉમેદવારી નોંધાવી હતી. નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસમાં ટિકિટ ફાળવવામાં આવે તે પૂર્વે જ નવસારીના કાંઠા વિસ્તારના ગામોમાં ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવાર તો કોળી પટેલ જ હોવો જોઈએના બેનરો લાગતા બંને રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ હતી. જેમાં ભાજપે સીઆર પાટીલને ત્રીજી ટર્મ માટે રિપિટ કર્યા હતા. જ્યારે સતત પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના યુવા નેતા અને વિજલપોર પાલિકાના માજી પ્રમુખ કોળી પટેલ સમાજના ધર્મેશ પટેલને ટિકિટ ફાળવતા તેમણે આજે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



