સુરતના યુવા વિદ્યાર્થીઓ દ્વારા વૉલ પેઈન્ટિંગ થકી મતદાન જાગૃતિ ઝુંબેશ

0
8

‘વોટ કરેગા યુવા’ની થીમ પર અણુવ્રત દ્વાર પાસે મતદાનનું મહત્ત્વ સમજાવતા આકર્ષક વૉલ પેઈન્ટિંગ બનાવ્યા
સુરત, તા.૮

લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી સુરત મહાનગરપાલિકા અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી સુરતના યુવા વિદ્યાર્થીઓ દ્વારા ‘વોટ કરેગા યુવા’ની થીમ પર સિટીલાઈટના અણુવ્રત દ્વાર પાસે મતદાનનું મહત્વ સમજાવતા આકર્ષક વોલ પેઈન્ટીંગ બનાવવામાં આવ્યા હતા.
નર્મદ યુનિવર્સીટીના ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ, અમલસાડ કોલેજ તેમજ સુરતની વિવિધ શાળા અને ડ્રોઈંગ ક્લાસના વિદ્યાર્થીઓએ અણુવ્રત દ્વાર પાસે એવરશાઈન માર્બલની કમ્પાઉન્ડ વોલ પર મતદાતા જાગૃત્તિ માટે અવનવા વોલ પેઈન્ટીંગ બનાવ્યા હતા. જેમાં ‘ઇલેક્શન દેશ કા ત્યોહાર’, ‘મતદાન હમારા અધિકાર’, ‘આપકા વોટ, આપ કી આવાજ’, ‘બી હીરો એન્ડ વોટ યોર પાવર’ જેવા સ્લોગન સાથેના ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત સ્વચ્છતાને લગતા ચિત્રો દોરી ‘સ્વચ્છ ભારત’નો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ તેમની ચિત્રકલાને દીવાલ પર કંડારી મતદાનનું મહત્વ સમજાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.
વોલ પેઈન્ટીંગ કાર્યક્રમની સાથોસાથ મતદાન માટે પ્રેરણા આપતા ગીતસંગીતથી સુરતના ઉગતા કલાકારોએ ઉપસ્થિત શહેરીજનોનું મનોરંજન કર્યું હતું. આ વેળાએ સ્વીપ નોડલ અધિકારી અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (અઠવા ઝોન) શ્રી જયેશભાઈ ગાંધી, ચૂંટણી અધિકારીશ્રી આર.આર. બોરડ, રેડ એફ.એમ.ના આર.જે. વિશ્રુત્તિ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY