દિવ્યાંગો સુગમ્ય રીતે મતદાન કરી શકે તેવુ આયોજન ગોઠવાયું : બી.કે. કુમાર

0
6

દિવ્યાંગ મતદારો માટેના સ્પે. ઓબ્ઝર્વરે બેઠક યોજી
સુરત, તા.૮

લોકસભાની સામાન્ય ચુંટણીમાં વધુમાં વધુ દિવ્યાંગ મતદારો સુગમ્ય રીતે મતદાન કરી શકે તે માટે ચુંટણી પંચ દ્વારા નિયુકત કરવામાં આવેલા દિવ્યાંગ મતદારો માટેના સ્પેશ્યલ ઓબ્ઝર્વરશ્રી બી.કે. કુમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાના આસીસ્ટન્ટ રીર્ટનિગ ઓફિસરો સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં બી.કે.કુમારે જણાવ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચુંટણીમાં દિવ્યાંગ મતદારોને કોઈ પણ સમસ્યા વિના વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે ચુંટણી પંચ દ્વારા સ્પષ્ટ ગાઈડ લાઈન આપવામાં આવી છે. દિવ્યાંગ મતદારો મતદાન સમયે લાઈનમાં ઉભા ન રાખતા સીધુ મતદાન કરી શકે તેમજ તેઓની કોઈ પણ મુશ્કેલી ન પડે તે અંગેની તકેદારી લેવા ચુંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓ ધ્યાન આપે તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. આ ઉપરાંત દિવ્યાંગ મતદારોને માંગણી અનુસાર વ્હીલચેર અને સહાયક પુરા પાડવા તથા અન્ય સુવિધાઓ સંબંધે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં કુલ ૫૫૦૦ દિવ્યાંગ મતદારો પૈકી માંગણી કરવામાં આવી હોય તેવા ૧૯૫ દિવ્યાંગોને વ્હીલચેર તથા ૩૧૭ દિવ્યાંગ મતદારોને સહાયક પુરા પાડવામાં આવશે. આ ઉપરાંત દરેક વિધાનસભાદીઠ એક-એક દિવ્યાંગ મતદાન મથક પણ ઉભુ કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.ધવલ પટેલ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સી.પી.પટેલ, આર.આર.બોરડ તથા વિધાનસભામાં નિયુકત કરવામાં આવેલા એ.આર.ઓ. ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ શ્રી બી.કે.કુમારે ઉમરા ખાતે આવેલી ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને દિવ્યાંગ મતદાન મથકોની મુલાકાત લઈ દિવ્યાગો માટેની વેસ્ટર્ન ટોયલેટ તેમજ અન્ય સુવિધાઓની જાત ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY