મતદાર જાગૃતિ અભિયાન અર્થે તૈયાર કરાયેલી હાવરા એક્સપ્રેસ સુરત આવી

0
11

જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ધવલ પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
સુરત, તા.૧૦

લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી કેન્દ્રીય ચૂંટણી પંચના ઉપક્રમે મતદાર જાગૃતિના સંદેશ સાથે તૈયાર થયેલી હાવરા એક્ષ્પ્રેસ ટ્રેન સવારે ૦૯.૧૨ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન આવી પહોચી હતી જેનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો. ધવલ પટેલે ભવ્ય સ્વાગત કરીને ફ્‌લેગ ઓફ આપી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. હાવરા એક્ષપ્રેસ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સ્ટીકરો દ્વારા મતાધિકારને લગતા સ્લોગનો સાથે વિવિધ સ્ટેશનો પરથી પસાર થઈ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવી રહી છે.
આ પ્રસંગે ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા ભારતીય રેલવેના સહયોગથી મતદાર જાગૃતિના સંદેશા સાથે હાવરા એક્ષ્પ્રેસ ટ્રેન આવી છે. લોકશાહીના પર્વમાં સૌને જોડાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ વેળાએ કોલેજ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, સુમન હાઈસ્કુલ, કાંસાનગર કુમાર ગુરૂકુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયને પ્લે કાર્ડ, બેનરો દ્વારા મતદાર જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. મતદાર જાગૃતિ માટે ઈ.વી.એમ.મશીન, વી.વી.પેટ દ્વારા મોકપોલ કાર્યક્રમ દ્વારા રેલ્વે સ્ટેશન પરના મુસાફરોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એચ.રાજયગુરૂ, સ્વીપ નોડલ ઓફિસર અને આસીસ્ટન્ટ મ્યુ. કમિ. જયેશ ગાંધી, દ. ગુ.યુ.નિ. એન.એસ.એસ.ના કો.ઓર્ડિનેટરશ્રી ભરત ઠાકોર, માહિતી ખાતાના અધિકારીશ્રી મહેન્દ્ર વેકરીયા, શાળાના આચાર્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તા.૮મી એપ્રિલના રોજ હાવરા એક્ષ્પ્રેસ ટ્રેન પશ્ચિમ બંગાળથી નીકળી ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ છ રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોચી હતી. સુરતથી પ્રસ્થાન કરી વડોદરા થઈ અમદાવાદ જશે. કુલ ૨૦૮૭ કિમીનું અંતર કાપી હાવરા એક્ષ્પ્રેસ ટ્રેન છ રાજ્યોમાંથી પસાર થઈ મતદાન જાગૃત્તિનો સંદેશો લઈ મતદારોને જાગૃત કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY