મહાનગરપાલિકાની પ્રચાર વાન શહેરીજનોને આપી રહી છે મતદાનની જાગૃત્તિ સંદેશ
સુરત, તા.૧૦
લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી સુરત મહાનગરપાલિકાની પ્રચારવાન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને મતદારોએ શું કાળજી લેવી, મતદારોએ મતદાન મથકની માહિતી કેવી રીતે મેળવી શકાય, હેલ્પલાઈનનો ઉપયોગ કરીને મતદારયાદીમાં છે કે નહી તે અંગેની જાણકારી, મતદાન કરવાનો સમય જેવી વિગતો પોસ્ટર, પેમ્લેટર દ્વારા આપીને વધુમાં વધુ મતદારો મતદાન કરે તેની જાણકારી આપવામાં આવી હતી.
લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત શહેર-જિલ્લામાં મતદાર પ્રત્યે લોકજાગૃતિ કેળવાય તેવા આશયથી પાંડેસરાના કૃષ્ણનગરમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સુરત ઉડિયા માધ્યમની સુમન હાઈસ્કુલ નં.૧૫ના વિદ્યાર્થીઓએ રેલી કાઢી રેલી પૂર્ણ થયા બાદ શેરીનાટક ભજવી મતદાન જાગૃત્તિનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત શહેરની વી.કે. જૈન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, શિક્ષકોએ જનજાગૃતિ રેલી યોજીને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો લોકો સુધી પહોચાડયો હતો.
શાળાના બાળકોએ રેલીમાં ‘મત આપવો આપણી પવિત્ર ફરજ છે, છોડ કે અપને સારે કામ પહેલે ચલો કરે મતદાન, સાચુ મતદાર લોકશાહીનો ધબકાર, જાગો મતદાર જાગો જેવા સૂત્રોચ્ચાર, પ્લે કાર્ડ સાથે ગામડાની શેરીઓને ગજવીને લોકશાહીના મહાપર્વ સૌ મતદારો જોડાઈને મતદાન કરીને લોકશાહીને ધબકતી રાખે તેવો સંદેશો લોકો સુધી પહોચાડયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



