લેણદારોના ત્રાસના કારણે ઝેર પીધુ હોવાની યુવકે સુસાઈડ નોટ લખી
સુરત, તા.૧૭
મજૂરા ગેટ સર્કલ પાસેથી આજે સવારે એક યુવક ઝેરી પાઉડર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને યુવક બે દિવસથી ગુમ હોવાથી શોધખોળ કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે યુવક ગુમ થતા પહેલાં બે પાનાની સુસાઈડ નોટ મૂકીને ગયો હતો. જેમાં લેણદારોના ત્રાસથી આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ખડોદરા વિસ્તારમાં આવેલા ગાંધીનગર ખાતે નિતિન રતિલાલ રાણા પરિવાર સાથે રહે છે. પિતા લકવાગ્રસ્ત છે. દરમિયાન ગત સોમવારે નિતિન પિતાને મળવા આવ્યો હતો. ત્યારબાદ કંઈ કહ્યા વિના જતો રહ્યો હતો. ગત રાત્રે લેણદારો પિતાના ઘરે આવ્યા હતા. અને હોબાળો મચાવી ચાલ્યા હતા. દરમિયાન નિતિન મૂકી ગયેલી સુસાઈટ નોટ મળી આવી હતી. જેથી પરિવારજનોએ સુસાઈડ નોટ પોલીસને આપી હતી. અને શોધખોળ હાથ ધરી હતી. આજે સવારે નિતિન મજૂરા ગેટ સર્કલ પાસે ઝેપી પાઉડર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી રાહદારીઓએ નિતિનના પરિવાર અને ૧૦૮ને જાણ કરી હતી. ત્યારબાદ ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
યુવકે લખેલી સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘‘મારો મારા પરિવાર કે મારા લેણદારો માટે કોઈ એવો ખોટો ઈરાદો ન હતો કે એમાં હું ફાવી જાવ અને આ બધા ફસાઈ જાય. મારો તો એક જ હેતું હતો કે હું પણ કમાઉ અને એ લોકોને પણ કમાવી આપું. મારું આ સપનું સપનું જ રહ્યું. ન તો હું મારા પરિવારને સુખેથી રાખી શક્યો કે ન તો મારા લેણદારોને. જ્યાં સુધી કમાઈને આપ્યું ત્યાં સુધી લેણદારો પણ ખુશહતા પણ જ્યારથી હું બરબાદ થઈ ગયો કે તરત તે લેકોના વલણ પણ બદલાઈ ગયા. હું મારા લેણદારોના ત્રાસને કારણે આ પગલું ભરું છું. અને આ મારા પગલાંથી મારા પરિવારને તથા મારા લેણદારોને શાંતિ થશે. હવે મારા માટે આત્મહત્યા સિવાય કંઈ જ રસ્તો નથી. અને તેની સંપૂર્ણ જવાબદારી મારા લેણદારોના શિરે રહેશે. મને બહું જ ત્રાસ આપ્યો છે જેથી હું કંટાળી ગયો છું. મારી લાશ મળે તો પરિવારને મારી નમ્ર અરજ છે કે, મને બિનવારસી લાશમાં મારી વિધિ કરાવે. કારણ કે હું જાણું છું કે, મારી મરણક્રિયાના પૈસા પણ મારા પરિવાર પાસે નથી. બસ મારી આ અંતિમ ઈચ્છા પુરી કરજો. મેં બધાને બહું જ દુઃખ આપ્યું તે બદલ હું માફી માંગુ છું. થઈ શકે તો મને માફ કરજો’’ પોલીસે આ સ્યુસાઈડ નોટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



