વિવિધ માંગણી અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
સુરત, તા.૧
આજરોજ વિશ્વ મજૂર દિવસ નિમિત્તેમજૂર અધિકાર મંચના સુરત દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોની જાહેર સભા ચોક ખાતે યોજવામાં આવી હતી. સભામાં કામદારોને શોષણ, રહેણાંક અને બેરોજગારી અને સામાજિક સુરક્ષા વિગેરે મુદ્દાઓની ચર્ચા કરી આવેદનપત્રો સ્વરૂપે તૈયાર કરી સભા પછી રેલીના સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આપ્યું હતું. આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ કરાઈ હતી જેમાં શહેરના વિકાસ અને ચમકમાં ભાગીદાર એવા ગરીબ, અસંગઠીત, પ્રવાસી ઘર વિહોણા મજૂરોની વસતિઓને કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર ઝૂંપડાઓ તોડવામાં આવે નહીં, નાકા ઉપરથી રોબરોજ કામ શોધીને કામ કરતા કડિયા કામદારોને મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરવામાં આવે, તેઓની હાજરી પુરાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવે. સાઈટ ઉપર કામ કરતાં કામદારોની રોજ બરોજની હાજરી બિલ્ડર દ્વારા બોર્ડને સુપરત કરવામાં આવે અને તે હાજરીના આધારે કામદારોને પી.એફ. ઈ.એસ.આઈ., ગ્રેજ્યુએટી વિગેરે લાભો મળે તે રીતે કાયદાનું પાલન કરવામાં આવે.
તમામ કામદારોને રહેવા માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં લેબર હોસ્ટેલ શરૂ કરવામાં આવે. સરકાર દ્વારા કામદારો માટે શહેરી રોજગાર ગેરંટીની યોજના લાવવામાં આવે અને શહેરમાં કામ કરવા આવેલા સ્થળાંતરિક કામદારોને સ્વાસ્થ્ય, સસ્તા, અનાજ અને તેના બાળકોને શિક્ષણનો લાભ ફરજિયાત મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે ઉપરાંત કામ કરાવ્યા બાદ મજૂરી ચૂકવાયેલ ના હોય તેવા કિસ્સાઅો રોજ બરોજ બને છે તેવા કેસોમાં બિલ્ડર અને ઠેકેદાર વિરુદ્ધ ફોજદારી સહિતના કાયદેસર પગલા ભરવામાં આવે. કાર્ય સ્થળ ઉપર અકસ્માત થયેલ મોતના કિસ્સાઓમાં રૂપિયા પાંચ લાખ વળતર બોર્ડ દ્વારા ચૂકવવામાં આવે અને બિલ્ડર સામે કામદાર વળતર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ભોગ બનનારના વારસદારને વળતર મળે તેવી કાર્યવાહી કરવામાં આવે. તેમજ તમામ લેબર કોન્ટ્રાક્ટરોને લાયન્સ આપવામાં આવે અને મહારાષ્ટ્ર રાજ્યની જેમ મથાડી બોર્ડની રચના કરવામાં આવે. તેવી માંગણી પણ કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



