પશુઓને ગરમીથી રક્ષણ આપવા આટલું કરો
પશુઓને સવારે અને સાંજે ઠંડકમાં જ ખોરાક આપવો
સુરત, તા.૩
સમગ્ર રાજ્યમાં ઉનાળાની અસહ્ય ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે આવા સંજોગોમાં અબોલ પશુઓની હાલત વધુ કફોડી બનતી હોય છે. રાજ્યના પશુપાલકો દ્વારા આ ગરમીના સમયગાળા દરમિયાન પશુઓને ગરમીથી રક્ષણ આપવા જરુરી તકેદારી રાખવામાં આવે તો પશુઓને ગરમીથી રાહત મળી શકે છે. રાજ્યના પશુપાલન નિયામક દ્વારા પશુપાલકોએ પશુઓને ગરમીથી રક્ષણ આપવા શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.
હાલનાં દિવસોમાં વાતાવરણમાં તાપમાન વધુ રહેતું હોવાથી દુધાળા પશુઓની ઉત્પાદકતા પર તથા તંદુરસ્ત પશુઓના આરોગ્ય પર વિપરીત અસર થવાની પૂરેપૂરી સંભાવના છે. જેથી ઉનાળામાં પશુઓને ગરમીથી રક્ષણ આપવા રાજ્યના પશુપાલકોને પશુપાલન નિયામક દ્વારા નીચે મુજબની તકેદારી રાખવા જણાવાયું છે.
(૧) પશુઓને છાંયડામાં (શેડ અથવા ઝાડ નીચે) રાખવા
(૨) શેડ ઉપર ડાંગર કે ઘઉંના પુળિયા નાંખી કે શેડના પતરાં ઉપર સફેદ કલર કરી શેડનું તાપમાન જાળવવું.
(૩) પશુઓને શેડમાં પુરતી જગ્યા (સામાન્ય કરતાં વધારે) આપવી
(૪) પશુઓને દિવસ દરમિયાન સતત, પુરતું, સ્વચ્છ ઠંડુ પાણી આપવું
(૫) પશુઓને ખોરાક દિવસના ઠંડા કલાકો (સવારે અને સાંજે) દરમિયાન આપવો
(૬) પશુઓને ઉત્તમ પ્રકારના લીલા ઘાસચારાનું નિરણ કરવું.
(૭) પશુઓના ખોરાકમાં બાયપાસ પ્રોટીન અને બાયપાસ ફેટનો ઉપયોગ કરવો.
(૮) પશુઓને દૈનિક મીનરલ મીક્ષર ૭૫-૮૦ ગ્રામ તથા મીઠું ૨૦-૨૫ ગ્રામની માત્રામાં આપવું.
(૯) પશુઓના શેડમાં પંખા, એર-કુલર, પાણીના ફુવારા, ફોગરનો ઉપયોગ કરવો.
(૧૦) અતિશય ગરમીમાં પશુઓ પર પાણીનો સીધો છંટકાવ કરવો.
(૧૧) પશુઓને તળાવ અથવા પાણી ભરેલા ખાડામાં જલવિહાર માટે મોકલવા.
(૧૨) પશુઓને રાત્રિના સમયે ચરિયાણમાં મોકલવા.
(૧૩) પશુઓને લુ લાગવાના કિસ્સામાં નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરી સારવાર અપાવવી.
વધુ માહિતી માટે તમારી નજીકની સરકારી પશુસારવાર સંસ્થાનો સંપર્ક કરવો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



