ડભોલીમાં વલ્લભીપુર ગામના પટેલ સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો

0
5

દિકરીઓને જન્મ આપનાર દંપત્તિનું સન્માન કરાયું
સુરત, તા.૭

સુરતમાં વસતા શ્રી વલ્લભીપુર ગામના પટેલ સમાજના દસમા સ્નેહમિલન સમારોહનું વેડ-ડભોલી ખાતે આવેલ કે.આર.ફાર્મમાં આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શ્રી મુકેશભાઈએ કાર્યક્રમની શરૂઆત પહેલાં સુમધુર સંગીત સાથે ગીતો રજૂ કરી સૌને આનંદમાં રસતરબોળ કર્યા હતા. નાની બાલિકા ઇશાએ પણ દેશભક્તિ ગીત રજૂ કરી કાર્યક્રમને દીપાવ્યો હતો.
સમાજમાં ઘટતી જતી દીકરીઓની સમસ્યાના નિવારણરૂપે છેલ્લા એક વર્ષમાં જે પરિવારમાં દીકરીનો જન્મ થયો હોય, તેવા દંપતીઓનું સંમાન કરવાનો સુંદર વિચાર ગામ લોકોને આવ્યો અને બે વર્ષથી તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. ભણી-ગણીને નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર શ્રી ડા.વિશાલ ઘનશ્યામભાઈ વાનાણી (કાર્ડિયોલિજિસ્ટ,કિરણ હોસ્પિટલ) અને શ્રી વિપુલભાઈ પી. ગોળ (પી.એસ.આઈ.,સુરત એરપોર્ટ)નું તેમજ દાતાશ્રીઓનું સંમાન કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણીઓ સમાજ માટે પોતાનું નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. આગામી આઠ વર્ષના દાતાઓ અત્યારથી નોંધાઈ ચૂક્યા છે, તે સૌનું પણ અભિવાદન કરવામાં આવ્યું.
આ પ્રસંગે બાલિકા ઇશા અરૂણભાઈ ગુજરાતીએ વક્તવ્ય રજૂ કર્યું હતું. ડા.વિશાલભાઈએ હ્રદય રોગ(હાર્ટ એટેક) થી બચવા શું કરવું ? એ અંગે ખૂબ ઉપયોગી માહિતી આપી હતી. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે, કદાચ હાર્ટ એટેકનો હુમલો આવે તો જેટલી ઝડપી સારવાર મળે તેટલું વધારે સારું.
આજના મુખ્ય વક્તા શ્રી રાજેશભાઈ ધામેલિયાએ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આજે શિક્ષણ અંગે માતાપિતા ખૂબ ચિંતિત છે. પોતાનું બાળક વધારે ને વધારે ટકાવારી લાવે તેવો સતત આગ્રહ રાખે છે. પરિણામે વિદ્યાર્થીઓને સતત ટેન્શન રહે છે. તેનું દુષ્પરિણામ આપણે સૌ જાણીએ છીએ કે, વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી દીધું. આવા સમાચાર હંમેશાં વાંચવા-સાંભળવા મળે છે. પરીક્ષાના પરિણામ પહેલાં માતાપિતા પોતાના સંતાનને સમજાવે કે ઃ “બેટા, કોઈપણ પરીક્ષાનું પરિણામ જીવનનું આખરી પરિણામ નથી. માટે કયારેય નિષ્ફળતાથી નાસીપાસ થવું નહીં. એક સૂત્રને જીવનમંત્ર બનાવી શકીએ : “ હું મારું દરેક કાર્ય સખત મહેનત અને પૂરી નિષ્ઠાથી કરીશ. પછી જે પરિણામ આવે તેનો સહર્ષ સ્વીકાર કરીશ.”
રમતમાં હાર-જીત તો થાય જ. તેમ પરીક્ષા શાળાની હોય કે જીવનની સફળતા-નિષ્ફળતા તો મળ્યા જ કરે ! સફળતામાં છકી ન જઈએ, નિષ્ફળતામાં નાસીપાસ ન થઈએ; તો આનંદિત જીવન પ્રાપ્ત કરી શકીએ. સાથે એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છેઃ નિષ્ફળતાનો સ્વીકાર હોય, તેનું સન્માન ન હોય. નિષ્ફળતામાંથી બોધપાઠ લઈ સાચી દિશામાં સખત પુરુષાર્થ કરીએ તો એક દિવસ જરૂર ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થાય.કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ઘનશ્યામભાઈ વાનાણીએ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY