માંડવી આઈટીઆઈમાં તમાકુ મુક્ત સુરત અંગે યલો લાઈન ઝુંબેશનો આરંભ

0
24

તમાકુ ઉત્પાદનોના સેવનથી થતી ઘાતક અસરોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
સુરત, તા.૧૦

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા, માંડવી આઇ.ટી.આઇ અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાન કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર સુરત જિલ્લાને તમાકુમુક્ત બનાવવા માટે ‘‘યલો લાઈન’’ કાર્યક્રમનો માંડવી તાલુકાની આઈ.ટી.આઈ. ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ વેળાએ ફેઈથ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સુઝન સેમસને જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં મુખના કેન્સરમાં ભારત પ્રથમ સ્થાને છે. જ્યારે દેશમાં ગુજરાતનું સ્થાન પ્રથમ આવે છે. ભારત દેશમાં આજે ૧૨૦ મિલિયન લોકો તમાકુનું સેવન કરે છે. અને દર વર્ષે તેમાંથી ૧૦ મિલિયન લોકો તમાકુના સેવનના કારણે થતાં કેન્સરથી મૃત્યુ પામે છે. સુરત જિલ્લો યલો લાઇન ચેમ્પિયનમાં ૧૧મો જિલ્લો બન્યો છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજયામાં ગુટખા, પાનમસાલા, સિગારેટ કે અન્ય તમાકુ પ્રોડકટ વેચવી કાનૂની ગુનો બને છે, જેના ઉલ્લંઘન બદલ રૂ. ૨૦૦ સુધીનો દંડ થઈ શકે છે. જેથી શાળાના વિદ્યાર્થીઓ તમાકુથી થતા નુકસાન અંગે વધુમાં વધુ જાગૃત્ત બને, તેમજ તમાકુ વિરૂદ્ધ ઝુંબેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ વધુમાં વધુ જોડાય તે માટે જનજાગૃતિ લાવવાનો ‘‘યલો લાઈન’’ કેમ્પેઈનનો ઉદ્દેશ હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે તમાકુના વપરાશથી થતી આડઅસરો તેમજ તેનાથી થતા રોગો વિશેની વિસ્તૃત સમજ આપી હતી.
આ વેળાએ માંડવી આઇ.ટી.આઇ.ખાતે યલ્લો લાઈન દોરીને તમાકુમુક્ત આઈ.ટી.આઈ. નો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.રાજુ ચૌધરી, ડિસ્ટ્રિક્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી એચ.એન. રાણા, આઈ.ટી.આઈના ડી.પી. માસ્ટર, વિસ્તરણ ખેતીવાડી અધિકારીશ્રી એમ.કે.ચૌધરી, ફૂડ સેફ્‌ટી ઓફિસરશ્રી એચ.પી. પાવાગઢીયા, સામાજિક કાર્યકર ભગીરથ ડાયના, કાઉન્સિલરશ્રી કિરીટ સોલંકી તેમજ મોટી સંખ્યામાં માંડવી આઇટીઆઇના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY