રાત્રિએ દારૂડીયાઓને શોધી કાઢવા પોલીસ પણ એકશનમાં
સુરત, તા.૩૧
આજે થર્ટીફર્સ્ટ સુરતીજનોમાં ઉજવણી કરવા માટે થનગનાટ જાવા મળે છે. ઠેર-ઠેર થર્ટીફર્સ્ટની રાત્રિએ ઉજવણી કરવા માટે ડાન્સ પાર્ટીઓના આયોજનો થઈ ગયા છે. આ ડાન્સ પાર્ટીઅોમાં શરાબની મહેફિલો યોજાશે. તો સુરત પોલીસ રંગમાં ભંગ પાડવા માટે તૈયાર થઈ ગઈ છે. શહેરની હોટલોમાં થર્ટીફર્સ્ટની ઉજવણી સાથે શહેર અને શહેર બહારના ફાર્મ હાઉસોમાં પણ ડીજેના તાલે યૌવનધન ઝુમી ઉઠશે. થર્ટીફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને હજારોની સંખયામાં વાહન ધારકો અઠવાગેટથી ડુમસ તરફ દોટ મુકશે. જેને ધ્યાનમાં રાખીને પો.કમિ. સતીષ શર્માએ વિશેષ ટ્રાફિક વ્યવસ્થાની ગોઠવણ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ કરીને પાર્ટીઅોમાં દારૂ પીરસાશે, તો પાર્ટી આયોજકો સહિતનાની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસના કડક બંદોબસ્તને કારણે શરાબ શોખીન સુરતીજનોએ સાગમટે દમણની વાટ પકડી લીધી છે. આજે સવારથી જ દમણ સુરત પાસિંગ નંબરની ગાડીઓથી ઊભરાઈ ગયું છે.
આમ આજે સુરત પોલીસ એલર્ટ હોવા છતાં પણ સુરતીજનો દારૂની છોળો ઉડાડશે અને અનેક લોકો પોલીસની ગિરફ્તમાં પણ આવશે. ટૂંકમાં એમ કહી શકાય આજે શરાબ શોખીનો અને પોલીસ વચ્ચે સંતાકૂકડી રમાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



