પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શન વિજયજીની નિશ્રામાં ઉજવાયો કાર્યક્રમ
સુરત, તા.૧
લંબેહનુમાન રોડ સ્થિત શ્રી ત્રિકમનગર જૈન સંઘમાં પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજની પાવન નિશ્રામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દીક્ષા કલ્યાણકની ઉજવણી ભારે હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી. પ્રભાથે ભક્તામર સ્ત્રોત દ્વારા પ્રભુનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પ્રભુભક્તો ઉમટ્યા હતા. આ પાવન પ્રસંગે બેઠું વર્ષીદાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રત્યેક વ્યક્તિને ધૂપનું પેકેટ અને કેશરની પ્રભાવના કરવામાં આવી હતી. બપોરે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન રાખવામાં આવ્યું હતું. પ્રભુભક્તો ભક્તિમાં તન્મય બન્યા હતા. પરમાત્માને ભવ્ય અંગરચના કરવામાં આવી હતી.
સંગીતના સથવારે દીક્ષા કલ્યાણક પ્રસંગની ઉજવણી વખતે પૂ.પંન્યાસ શ્રી પદ્મદર્શનજી મહારાજે વૈરાગ્ય ઝરતી પ્રવચનધારા વહાવતા જણાવ્યું હતું કે, રાગી આત્મા મોહરાજાનો ગુલામ છે. જ્યારે વિરાગી આત્મા ધર્મરાજાનો ગુલામ છે. મોહની ગુલામી કરનારા સંસારમાં પરિક્મા કરે છે અને ધર્મની ગુલામી કરનારા મુક્તિસુખને માણે છે. વૈરાગ્યના કેન્દબિંદુ તરીકે નિમિત્ત છે. જેટલા આત્માઅો સંયમના માર્ગે ગયા છે તે બધા આત્માઓ કોઈને કોઈ નિમિત્તો પામીને જ ગયા છે. વૈરાગ્યને ટકાવવા માટે ત્યાગ જરૂરી છે. સંયમસુખની સોહામણી પળો દ્વારા સમગ્ર વિશ્વ સુખ અને સમાધિને પ્રાપ્ત કરે છે. આંસુ અને રૂદન એ મોહરાજાના કાતિલ શસ્ત્રો છે. આ શસ્ત્રો દ્વારા નબળો વૈરાગ્ય હોય તે સંયમ જીવનભર ટકી શકતો નથી. આતમગિરિ ઉપર રહેલી મોહની ભેખડોને ધ્વસ્ત કરવાની ક્ષમતા સંયમ જીવનની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




