ન્યુ ઈન્ડિયાનું ભાવિ ગણાતા ૨૦ બાળકોના મોત માટે ખરેખર જવાબદાર કોણ છે ?

0
10

તક્ષશીલાના ભયાનક અગ્નિકાંડને પણ થોડા સમયમાં ભૂલી જવાશે તો ફરી પાછૂં સુરતને જ ભોગવવાનું આવશે
સુરત, તા.૨૫
૨૧મી સદીનું ભારત, ન્યુ ઈન્ડિયા, સુરતમાં ન્યુ ઈન્ડિયાનું ભાવિ ગણાતા ૧૯ બાળકો મોતને ભેટી ગયા. જવાબદાર કોણ ? સરકાર, મનપા ફાયર વિભાગ કે પછી આપણે ? ઘટના અને દુર્ઘટનાનું વારંવાર પુનરાવર્તન થાય છે. શાસક પક્ષ વારંવાર ચમરબંધીને પણ છોડવામાં આવશે નહિં ની રીપિટ વાક્ય દોહરાવી મગરના આંસુ વહેરાવી ફરીથી ગેરકાયદે કામો કરનારા મિત્રોની સરકારી રાહે મદદગાર બની જશે. ભ્રષ્ટાચારનાં ભોરિંગને કારણે આજે સુરતમાં જીંદગી કોડીની થઈ ગઈ છે. આગની ઘટનામાં હોમાતી જીંદગી હોય કે પછી બીઆરટીએસ રૂટ ઉપર યમદૂત બનીને ફરતી બસ હોય, કોઈકનો લાડકવાયો, કોઈકનો ભરથાર, કોઈકની છત્રછાયાં છીનવી લેવામાં આવે છે.
ઘટના, દુર્ઘટના માટે જવાબદાર વહીવટ તંત્ર, શાસક પક્ષ સાથે સાથે વિપક્ષે પમ નૈતિકતા ગુમાવી દીધી છે. માત્ર ખુરશીના પ્યાદા બનીને સુફિયાણી વાતો કરનારા રાજનેતાઓને આ પ્રજાએ ‘કમ્મર પટ્ટાની નીચે લાત’ મારવાનો સમય પાકી ગયો છે. ક્યાં સુધી આપણે આવી ઘટના-દુર્ઘટનાને ભૂલતા રહીશું ? ૨૦-૨૦ બાળકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા પણ મેયર જગદીશ પટેલ ખુરશી છોડવાનું નામ લેતા નથી, શાસક પક્ષમાં નૈતિકા જેવુ તો નથી જ ! પણ વરાછા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા વિપક્ષી નેતા પ્રફુલ્લ તોગડિયા પણ ક્યાં નૈતિકતા બતાવી રહ્ના છે ? વિપક્ષી નેતાની પણ કોઈ જવાબદારી ખરી ? પણ અહીં સત્તાનો મોહ છે. ઘટના-દુર્ઘટના બનતી રહેશે, પ્રજાની યાદ શક્તિ ટૂંકી છે, ભૂલી જશે અને બનશે પણ એવું જ ‘હુઆ તો હુઆ’ની જેમ પ્રજા શાસક-વિપક્ષનો કાન આમળવાને બદલે ભાજપ-કોંગ્રેસ રમશે.
સરથાણાની ઘટનામાં ખાના-પુરતીની રમત શરૂ થઈ ગઈ છે. કેસ થશે, ધરપકડો થશે, બે-ચાર સરકારી કર્મચારીઅો સસ્પેન્ડ થશે. આ સસ્પેન્ડ થયેલાને છ મહિનામાં પાછલા બારણેથી પરત લઈ ફરીથી મલાઈદાર પોસ્ટ પણ આપી દેવાશે. આ બધુ ન્યુ ઈન્ડિયામાં ચાલુ જ રહેશે. પ્રજા એ માત્ર વોટ્સએપ-ફેસબુક ઉપર ગુસ્સો બતાવી ભૂલી જશે. લોચો-ફાફડાની ઓળખમાંથી બહાર આવી સુરતે આ ઘટનાથી ભ્રષ્ટાચારીઓને સબક શીખવવો જ પડશે.
સુરતની પ્રજાએ ક્યાં સુધી ભ્રષ્ટ તંત્રના પાપે ભોગ બનતું રહેવું પડશે ? ન્યુ ઈન્ડિયામાં ૨૦ ભાવિ મોતના ખપ્પરમાં હોમાઈ ગયા છે. છતાં પણ તમે હજુ કુંભકર્ણની નિંદ્રામાં છો ? ઊઠો જાગો, શાસક અને વિપક્ષને સબક શીખડાવવા મેયર, વિપક્ષ નેતા રાજીનામું ન આપે ત્યાં સુધી મંડી પડો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY