ફાયર ચીફ દસ્તુર તપાસ રિપોર્ટ અગ્ર સચિવ પૂરીને આપશે
સુરત, તા.૨૫
ગતરોજ તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં ૨૦ વિદ્યાર્થીઅોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૩ દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. આજે રાજ્યના ફાયર ચીફ એમ.એમ. દસ્તુર દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.
તક્ષશીલા આર્કેડમાંં ગતરોજ લાગેલી ભીષણ આગની તપાસ માટે રાજ્યના ફાયર ચીફ એમ.એમ. દસ્તુર સુરત દોડી આવ્યા હતા. આજે સવારે ઘટના સ્થળે પહોંચી આગની ઘટના બાદ કાટમાળનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યુ હતું. ફાયર ચીફ દ્વારા પોતાના કેમેરામાં ઘટના સ્થળની કેટલીક તસ્વીરો પણ લેવામાં આવી હતી. આગ લાગવાનું સાચુ કારણ શું હોઈ શકે ? આગ ને અટકાવી શકાઈ હોત કે નહીં ? બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં ? સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ બિલ્ડિંગને નોટીસ આપી હતી કે નહીં ? નોટીસ બાદ શું પગલા લીધા તે અંગેની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. આવતીકાલ સુધી તમામ વિભાગો પાસેથી ઘટનાનો રિપોર્ટ મેળવીને રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિકારી મુકેશ પુરી મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુપ્રત કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




