ઈમારતો પર ગેરકાયદે સ્ટ્રક્ચરો તોડી પાડવા સુરતમાં ઝૂંબેશ
ફાયર સેફટી વગર કોમર્શિયલ બિલ્ડિંગો સીલ, ટયુશન કલાસીસ શાળાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઅોમાં ગેરકાયદે સ્ટ્રક્ચરો તોડી પડાયા : શહેરભરમાં ૨૬ ટીમો દ્વારા હાથ ધરાયેલી મહાઝૂંબેશ
સુરત, તા. ૨૭
સરથાણા ખાતે તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભયાનક આગમાં ૨૨ માસૂમ બાળકો જીવતા ભુંજાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ પાલિકા તંત્રએ ગત મોડીરાત સુધી એક હજાર કરતા વધુ ફાયર સેફટી વગરની દુકાનો, શોપિંગ મોલ અને કલાસીસ સીલ કર્યા હતા. આજે સવારે ૨૬ ટીમો દ્વારા ગેરકાયદે સ્ટ્રકચરના ડીમોલિશનની કામગીરી ચાલી રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી સમગ્ર શહેરમાં ફાયર સેફટી વગરના કોમર્શિયલ કોમ્પલે શોપિંગ સેન્ટર, મોલ, દુકાનો, ટયુશન કલાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવાની વ્યાપક કામગીરી હાથ ધરી છે. તક્ષશીલા આર્કેડની ઘટના બાદ સફાળા જાગી ઉઠેલ ફાયર વિભાગ દ્વારા ગતરોજ વહેલી સવારથી મોડીરાત સુધીછ શહેરના તમામ ઝોનમાં એક હજાર કરતા વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે. આ તમામ મિલકતો જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો વસાવે નહીં અને ફાયર વિભાગની એનઓસી મેળવે નહીં ત્યાં સુધી સીલ ખૂલશે નહીં.
તક્ષશીલા અગ્નિકાંડ બાટ રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ દ્વારા તમામ મહાનગરપલિકા અને નગરપાલિકામાં આવેલ કોમર્સિયલ બિલ્ડિંગોમાં ટેરેસ ઉપર પતરા કે પ્લાસ્ટિકના શેડને તાત્કાલિક ધોરણે ઉતારી પાડવાની સૂચના આપી છે. તક્ષશીલા આર્કેડમાં ટેરેસ ઉપર શેડના લીધે આગ વધુ વિકરાળ બની હોવાની દાખલો મુખ્ય સચિવે આપ્યો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ ટયુશન કલાસીસની ઉપર ગેરકાયદે શેડ, સ્ટ્રક્ચરનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
આજે વહેલી સવારથી તમામ ઝોનમાં બે બે પાંચ-પાંચ ટીમો બનાવી ડીમોલિશન કરવાની કામગીરી શરૂ કરી છે. બપોર સુધીમાં આજે ૨૬ ટીમો દ્વારા ૨૪ સ્થળો ઉપર ગેરકાયદે શેડ સ્ટ્રક્ચરનું બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




