ઈમ્પેક્ટ ફી મંજૂર કરાયા બાદ ત્રીજા માળ પર ગેરકાયદે ડોમ બનાવાયો હતો : ડી.આર. ગોહિલ
સુરત, તા. ૨૭
તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભીષણ આગના બનાવમાં સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના અધિકારી દ્વારા સરથાણા પોલીસ મથકમાં ત્રીજા માળના ચાર દુકાનોના કબજેદારો/માલિકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ગત રાત્રે ૧૦ કલાકે સરથાણા પોલીસ મથકમાં નવા વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર દેવેશ રવજી ગોહિલ દ્વારા તક્ષશીલા આર્કેડ આગના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તક્ષશીલા આર્કેડના ત્રીજા માળે ગેરકાયદેસર હોવાથી ત્રીજા માળના ૪ દુકાન માલિકો અને કબજેદારો સામે ફરિયાદ નોંધાવી છે. હરસુલ કાનજી વેકરિયા તક્ષશીલા આર્કેડ ત્રીજા માળ ભોલેનાથ શોપિંગ સેન્ટર, દિનેશ કાનજી વેકરિયા, રવીન્દ્ર ધનશ્યામ કહાર અને સવજી ટપુભાઈ પાઘડાળ સામે ફરિયાદ નોંધાવી છે.
કાર્યપાલક ઈજનેર ગોહિલે જણાવ્યું છે કે તક્ષશીલા આર્કેડમાં ૨૪-૫-૨૦૧૯ના રોજ લાગેલી આગમાં ૨૨ થી વધુ બાળકોના મોત નીપજ્યા અને અન્ય બાળકો ઈજાગ્રસ્ત થયા તે બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આગની દુર્ઘટના બની તે જમીનના મૂળ માલિક મનુભાઈ શિરોયા તથા પરસોત્તમ પાઘડાળના પાવર ઓફ એનર્ટીથી ઘનશ્યામ શામજી પટેલ દ્વારા સુડામાંથી બાંધકામની વિકાસ પરવાનગીની અરજી ૨૫/૧૦/૨૦૦૧ના રોજ મંજૂર થઇ હતી. સુડા દ્વારા રેસિડેન્સીયલ લે આઉટના આધારે બાંધકામને પરવાનગી આપી હતી. ૨૦૦૬માં આ વિસ્તારનો સુરત મહાનગરપાલિકા સમાવેશ થયો હતો.
ઈમ્પેક્ટ ફીની કાયદા મુજબ અનધિકૃત બાંધકામની નિયત પ્રિમીયમ ૮/૭/૨૦૧૩ના રોજ લેવામાં આવ્યું હતું. ૧૪/૦૭/૨૦૧૯ની રોજ ઈમ્પેક્ટ ફીના ઓર્ડર ઓફ રેગ્યુલાઈઝેશ સર્ટી. ઈસ્યુ કરવામાં આવ્યું. ત્યારબાદ આરોપીઅોએ એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદે વધારાનો ફલોર તેમજ ડોમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ વધારાના બાંધકામ માટે કોઈ પણ પ્રકારની પાલિકાની પાસે પરવાનગી લીધી ન હતી. જેથી આ આરોપીઓએ ગેરકાયદેસર ત્રીજા માળ બનાવી જે હાલમાં દુર્ઘટના ઘટી જેમાં ૨૨ બાળકોના મૃત્યુ થયા તે બાબતે ગુનાહિત બેદરકારી દાખવી છે.
ઈમ્પેક્ટ ફીના કાયદા મુજબ ઈમ્પેક્ટ મંજૂર થઈ ગયા બાદ મિલકતદાર વધારાનું ગેરકાયદે બાંધકામ કરે અને જો કોઈ દુર્ઘટના થાય તો તેના માટે મિલકતદાર જવાબદાર થાય છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીની જવાબદારી થતી નથી. પોલીસ તપાસ દરમિયાન જો કોઈ અન્ય જવાબદારો નીકળેતો ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





