સ્ટેટ ટેબલ ટેનિસ રેન્કિંગ ટુર્નામેન્ટ
વિમેન્સમાં હાર્યા બાદ પ્રાર્થના પૂજા ગર્લ્સમાં જીતી
સુરત, તા.૩
ભાવનગરના કૌશલ ભટ્ટે આખરે ટાઇટલના દુકાળનો અંત લાવીને ટાઈટલ જીતવામાં સફળતા મેળવી હતી જ્યારે તેણે તાપી વેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૧૯માં યૂથ બોયઝ ટાઇટલ જીત્યું હતું. અહીંની તાપી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમના કૌશલે ભાવનગરના જ ચોથા ક્રમના હર્ષિલ કોઠારીને ફાઇનલમાં છ ગેમમાં હરાવ્યો હતો.
યૂથ વિભાગમાં ભાવનગરે સપાટો બોલાવ્યો હતો કેમ કે યૂથ ગર્લ્સ વિભાગમાં ભાવનગરની પ્રાર્થના પરમાર વિજેતા બની હતી. તેણે ફાઇનલમાં નૈત્રી દવેને ૧૨-૧૦ ૧૧-૬ ૧૧-૭ ૧૧-૭થી હરાવી હતી.
૨૦૧૮માં એક પણ ટાઇટલ નહીં જીતી શકેલા કૌશલે ધીમો પ્રારંભ કર્યો હતો પરંતુ ટુર્નામેન્ટ આગળ વધતી ગઈ તેમ તેમ તે સેટ થતો ગયો હતો. ફાઇનલમાં ફાનિલ સુધી પહોંચતા અગાઉ કૌશલે અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટને ૭-૧૧ ૧૧-૯ ૧૨-૧૦ ૧૧-૯ ૧૪-૧૨થી હરાવ્યો હતો. બીજી તરફ ચોથા ક્રમના હર્ષિલ કોઠારીએ કચ્છના ઇશાન હિંગોરાણીને ૧૧-૯ ૯-૧૧ ૯-૧૧ ૧૧-૬ ૧૧-૭ ૫-૧૧ ૧૧-૪થી હરાવ્યો હતો.
ફાઇનલમાં હર્ષિલે ફેવરિટ તરીકે પ્રારંભ કર્યો હતો પરંતુ કૌશલ અલગ જ મૂડમાં હતો. તેણે પોતની રણનીતિ બદલી હતી અને આક્રમક બન્યો હતો જેને કારણે હર્ષિલ પાસે પોતાની નૈસર્ગિક રમત રમવાની કોઈ તક રહી ન હતી. અંતે કૌશલે ૧૧-૭ ૧૧-૮ ૧૧-૩ ૧૧-૪થી વિજય હાંસલ કર્યો હતો. ”આજે હું વધારે આક્રમક હતો. તે બ્લોકિંગમાં અનુકૂળ હતો પરંતુ મેં તેને તેની નૈસર્ગિક રમત રમવાની તક આપી ન હતી. મને લાગે છે કે તેનાથી મોટો ફરક પડી ગયો હતો.” તેમ કૌશલે જણાવ્યું હતું.
શુક્રવારે ફ્રેનાઝ છિપીયા સામેની વિમેન્સ ફાઇનલ હારી જનારી પ્રાર્થના માટે આ સારું વળતર હતું.
કૌશલની માફક પ્રાર્થના પણ આક્રમક રમત રમી હતી. ”ચોક્કસપણે તમે આ વિજયને આશ્વાસન કહી શકો પરંતુ હું જ્યારે ફ્રેનાઝ દીદી સામે રમી છું ત્યારે મને કાંઇક શીખવા મળ્યું છે. આ ઉપરાંત નૈત્રીની રમત હું જાણતી હતી તેનાથી આ મુકાબલો આસાન રહ્યો હતો.” તેમ પ્રાર્થનાએ જણાવ્યું હતું.
દરમિયાન સબ જુનિયર ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યા છે જ્યારે કેડેટ કેટેગરીના પ્રાથમિક રાઉન્ડ શનિવારે સાંજે શરૂ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




