ખટોદરા પોલીસના મારથી મૃત્યુ પામેલા ઓમપ્રકાશના મૃતદેહનો અગ્નિસંસ્કાર

0
8

સિવિલ હોસ્પિટલમાં પોલીસે ભાઈ તથા સસરાને મૃતદેહ સોંપ્યો
સુરત, તા.૪

ગત તા.૧-૬-૧૯ના રોજ ખટોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓના મારને કારણે ઓમપ્રકાશ પાંડેની તબિયત લથડી હતી. તેને નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાંથી યુનિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં રાત્રિના સમયે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ ઓમપ્રકાશનો મૃતદેહ નવી સિવિલમાં હોય આજે પરિવારમાંથી ઓમપ્રકાશનો મોટો ભાઈ અને સસરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતદેહ સ્વીકારીને અંતિમ વિધિ ઉમરા સ્મશાન ખાતે કરવામાં આવી.
પાંડેસરા અપેક્ષા નગરમાં રહેતા રામગોપાલ પાંડે અને તેના ભાઇ ઓમપ્રકાશ પાંડે તેમજ કાકાના છોકરાને થોડા દિવસ પહેલા ખટોદરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડ્‌યા હતા. ત્રણેયને પોલીસ મથકે લઇ આવી માર મારવામાં આવતાં ઓમપ્રકાશ પાંડેનું મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ઓમપ્રકાશના મોતના કેસમાં ખટોદરાના પીઆઈ મોહનલાલ ખિલેરી, પીએસઆઈ ચિરાગ ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ ગરંભા, આશિષ દિહોરા, હરેશ ચૌધરી, પરેશ ભુકણ, કનકસિંહ દિયોલ સામે હત્યાનો ગુનો દાખલ કરી તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અને મૃતકનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. પરિવારને જાણ થતા મૃતકના મોટાભાઈ વિસાલ પાંડે અને સસરા જગદિશ મિશ્રા આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.અને ઓમપ્રકાશના મૃતદેહનો સ્વિકાર કર્યો હતો.
સિવિલ હોસ્પિટલ પહોંચેલા મૃતકના ભાઈ અને સસરાએ જણાવ્યું હતું કે, રાત્રે ૧૧ વાગ્યે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાંથી હોટલમાં રોકાયા હતા. અને સતત પોલીસના સંપર્કમાં હતા અને આજે સવારે ઓમપ્રકાશનો મૃતદેહ સ્વિકારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ખટોદરા પોલીસ સ્ટેશનમાં યુવકના મોત પગલે મૃતકના સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઠવાયો છે. આજે પરિવાર મૃતદેહ સ્વિકારવા આવ્યા હોવાથી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક બની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY