૮૫ નવલોહિયા યુવાનો ઘલુડી ખાતે લઈ રહ્ના છે સધન તાલીમ
સુરત, તા.૮
ગુજરાતના યુવાનોનું સંરક્ષણ દળોમાં પ્રતિનિધિત્વ વધે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે. સુરત જિલ્લામાં પણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કામરેજ તાલુકાના ઘલુડી સ્થિત ગ્રામ્ય પોલિસ હેડક્વાર્ટર ખાતે ૩૦ દિવસીય સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ ભરતીની નિવાસી તાલીમ વર્ગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના અને દેશના સીમાડાની રક્ષા કરવાની ભાવના સાથે અહીં ૧૭.પ થી ર૩ વર્ષની વય ધરાવતાં સુરત જિલ્લાના કુલ ૮૫ નવલોહિયા યુવાનો નિ;શુલ્ક તાલીમ લઇ રહ્યા છે.
ભારતીય સેના, પોલીસ દળમાં ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોને જે રીતે આર્મીની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે તે જ રીતે રાજ્ય સરકાર દ્વારા નિષ્ણાંત પ્રશિક્ષકો દ્વારા નિવાસી તાલીમ વર્ગમાં આર્મીની તાલીમ આપવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા યુવાનોના નિવાસ અને ભોજનનો તમામ ખર્ચ સહિત રૂ. ત્રણ હજારનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
તાલીમ વર્ગની સુયોગ્ય વ્યવસ્થા કરનાર જિલ્લા રોજગાર કચેરીના નાયબ નિયામકશ્રી મુકેશભાઈ વસાવાએ તાલીમવર્ગ વિશે જણાવ્યું કે, રોજગાર કચેરી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ૫૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. પસંદગી પ્રક્રિયાના અંતે ૮૫ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે. વહેલી સવારે ૫.૩૦ વાગ્યે ઘલુડી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લાંબી દોડ, ઉચી કુદ, જમ્પ, પરેડ, માર્ચ પાસ્ટ જેવી સઘન તાલીમ આપીને તાલીમાર્થીઓની સજ્જ કરવામાં આવી રહ્યા છે. તેમના માટે નાસ્તો, પૌષ્ટિક ભોજનની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉપરાંત, પ્રેક્ટિકલ તાલીમ સાથે સ્પર્ધાત્મક તાલીમ વર્ગના અનુભવી નિષ્ણાંત શિક્ષકો દ્વારા થિયરીકલ ક્લાસ લેવામાં આવે છે. આ ઉપરાંત સંરક્ષણ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને વધુ ૧૫ દિવસની તાલીમ આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



